ગાંધીધામમાં દંપતી ઉપર ટામી-છરીથી હુમલો

ગાંધીધામ, તા 28 : શહેરનાં કાર્ગો બાપા સિતારામ નગર વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં બે શખ્સો એક દંપતી ઉપર ટામી અને છરી વડે હુમલો કરી નાસી ગયા હતા. શહેરના કાર્ગો વિસ્તારમાં રહેતા લક્ષ્મણ ભીમા બારોટ અને તેમનો પરિવાર ગત રાત્રે ઘરે હતો ત્યારે તેમના ઘર પાસે ગલીમાંથી કિરણ ઉર્ફે કીકલો નટવર બારોટ ગાળો બોલતો બોલતો નીકળતાં આ ફરિયાદી આધેડે તેને રોકાવ્યો હતો અને જાહેરમાં ગાળો બોલવાની ના પાડી હતી. તેવામાં ઉશ્કેરાયેલા આરોપીએ લોખંડની ટામી વડે આ આધેડ ઉપર હુમલો કર્યો હતો. આ આધેડના પત્ની નામુબેન દોડીને બહાર આવતાં અને વચ્ચે પડતાં બીજા આરોપી એવા સુરેશે આ મહિલાના હાથમાં છરી વડે ઇજાઓ પહોંચાડી હતી. મારામારીના બનાવથી રાડારાડ બાદ આ બન્ને શખ્સો નાસી ગયા હતા. ફરિયાદી એવા આધેડના હાથમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer