કચ્છનું હોમગાર્ડ દળ લાંબા સમયથી નેતૃત્વ વિહોણું

ભુજ, તા. 28 : કચ્છમાં રાજકીય હુંસાતુંસી વચ્ચે અટવાયેલા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટના પદની સાથે સાથે ડેપ્યુટી કમાન્ડન્ટ તથા 15 જેટલા કમાન્ડિંગ ઓફિસરની જગ્યા ખાલી રહેતાં જવાનોના મનોબળ પર અસર પડી રહી છે, તો નેતૃત્વ વિહોણા દળમાં આંતરિક વિખવાદ પણ ચરમસીમા પર પહોંચી રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા ગત માર્ચ માસમાં દરેક જિલ્લાના કમાન્ડન્ટની નિમણૂક કરી હતી, પરંતુ રાજકીય અંટસના કારણે ગણતરીના કલાકોમાં જ કચ્છના અધિકારીની નિમણૂક માટે `રૂક જાઓ'નો આદેશ આવ્યા બાદ હજુ સુધી આ પદ માટે કોઈ નિર્ણય લેવાયો નથી. આ વચ્ચે જિલ્લામાં ડેપ્યુટી કમાન્ડન્ટ, 15 જેટલા કમાન્ડિંગ ઓફિસર, હેડ ક્લાર્ક જેવી અનેક જગ્યાઓ ખાલી પડી છે. દળમાં ખાલી જગ્યાઓના કારણે જવાનો પર અંકુશ ન રહેતાં આંતરિક વિખવાદો વધી રહ્યા હોવાનો પણ સૂત્રો આક્ષેપ કરી રહ્યા છે. આ દળનું નેતૃત્વ હાલ જિલ્લાના નાયબ પોલીસવડા સંભાળી રહ્યા છે. તેઓ પણ હાલ લાંબી રજામાં ઊતરી ગયા હોવાથી જવાનોના પગાર બિલો, ભથ્થા વગેરે લટકી ગયા છે. ખરેખર તો આ દળને સ્વતંત્ર અધિકારી સંભાળે તે જરૂરી હોવાનો મત વ્યક્ત થઈ રહ્યો છે. બીજીતરફ, આ દળનું વાહન જૂનાગઢ લઈ જવાયું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. તો અગાઉ પણ બોર્ડર હોમગાર્ડ દ્વારા લઈ જવાયેલું વાહન હજુ પરત ન આવ્યું હોવાનો પણ આક્ષેપ થઈ  રહ્યો છે. આ બાબતે ઈન્ચાર્જ હેડ ક્લાર્ક તુલસીભાઈનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હેડ ક્લાર્કની બે વર્ષથી જગ્યા ખાલી છે, તેમ કમાન્ડિંગ ઓફિસરોની પણ જગ્યા ખાલી છે, તો જિલ્લા કમાન્ડન્ટની જગ્યા રાજ્ય કક્ષાનો પ્રશ્ન હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, દરેક જવાનોના પગાર બિલો બનાવવાની જવાબદારી કમાન્ડિંગ ઓફિસરોની છે. તેઓ સમયસર બિલ આપે તો પગાર બિલો તાત્કાલિક ધોરણે બનાવી દેવામાં આવે છે. તો વાહન બાબતે તેમણે જણાવ્યું કે, તે હંગામી ધોરણે લઈ જવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer