`ભાડા''ને આ વર્ષે પણ પ્રિફેબમાંથી મુક્તિ મળવાની શક્યતા ધૂંધળી

ભુજ, તા. 28 : વિનાશકારી ધરતીકંપને આજકાલ કરતાં બે દાયકાનો સમય વીતવાના આરે છે, પણ આટલો લાંબો સમયગાળો વીતવાના આરે હોવા છતાં ભાડા કચેરી પોતાનું સ્વતંત્ર પાકું મકાન બનાવી શકી નથી. ત્યારે આ વર્ષે પણ ભાડાને પાકા બાંધકામવાળી કચેરી  મળે તેવી શકયતાઓ ધૂંધળી દેખાઈ રહી છે. છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી ભાડાને પોતાની પાકા બાંધકામવાળી કચેરી મળે તેવી લાંબા સમયથી વાતો થઈ રહી છે. અગાઉ આર.ટી.ઓ. રિલોકેશન સાઈટ પાસે ભાડા કચેરી કાર્યરત થાય તે પ્રકારની વહીવટી ગતિવિધિ હાથ ધરાઈ હતી, પણ સમય જતાં પ્રક્રિયા ન માત્ર ખોરંભે ચડી બલકે અભેરાઈએ જ ચડાવી દેવાઈ હતી. દરમિયાન એરપોર્ટ રિંગરોડ પર ભાડા કચેરીનું નિર્માણ કરવા માટે વહીવટી પ્રક્રિયાના મંડાણ તો થયા, પણ તે પ્રક્રિયા કયા તબક્કે પહેંચી તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં વર્તમાન જવાબદારો અસમર્થતા દેખાડી રહ્યા છે. સૂત્રો એવું જણાવી રહ્યા છે કે, ભાડા કચેરીમાં હાલમાં ન તો કાયમી ચેરમેન છે કે ન મુખ્ય કારોબારી અધિકારી, કચેરીની અન્ય મહત્ત્વની જગ્યાઓ ઈન્ચાર્જના હવાલે હોતાં કચેરીનો વહીવટ ધાર વગરની બુઠ્ઠી તલવાર જેવો થઈ ગયો છે. આવા તમામ પરિબળો વચ્ચે નવા સ્થળે આ કચેરી બનાવવા માટે વહીવટી ગતિવિધિ અને પ્રક્રિયાઓ કઈ રીતે આગળ ધપશે તે એક મહત્ત્વનો સવાલ વર્તમાન સમયે ઉપસીને સામે આવતો દેખાઈ રહ્યો છે.  સમયાંતરે યોજાતી ભાડાની બેઠકમાં પ્રિફેબની જગ્યાએ કાયમી બાંધકામવાળી કચેરી બનાવવાની ચર્ચા તો થયા રાખે છે, પણ તેનું અમલીકરણ થતું જ ન હોવાના કારણે લાંબા સમયથી આ ચર્ચા માત્ર ચર્ચા કરવા પૂરતી સીમિત રહી જાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer