31મીની ગાંધીધામ પાલિકાની સામાન્ય સભા એજન્ડા ઉપર ચર્ચા કરશે કે નહીં ?

ગાંધીધામ, તા. 28 : અહીંની પાલિકામાં આગામી સામાન્ય સભા તા. 31/1ના મળનારી છે. આ સભામાં 151 એજન્ડા (મુદ્દા) રાખવામાં આવ્યા છે. આ તમામ એજન્ડા ઉપર ચર્ચા કરવા તથા અગાઉની જેમ માત્ર પાંચ મિનિટમાં બહુમતીના જોરે પાસ-પાસ કરીને સભા પૂર્ણ ન કરી દેવાય તેવી રજૂઆત વિપક્ષી કોંગ્રેસી નગરસેવક દ્વારા કરવામાં આવી છે.પાલિકાના વિપક્ષી નગરસેવક નીલેશ ભાનુશાલીએ મુખ્ય અધિકારીને  પત્ર પાઠવ્યો હતો અને આદિપુરના રિલાયન્સ પેટ્રોલપમ્પથી જનતા પેટ્રોલપમ્પ સુધી 900 એમ.એમ. ડાયા એમ.પી.-3 આરસીસી ગટરની લાઇન નાખવામાં આવી છે. આ કામ તાંત્રિક મંજૂરી વગર કરાયું છે. જૂના એસ.ઓ.આર. 2014-2015ની જગ્યાએ નવા એસ.ઓ. આર. 2019-20 આવી ગયા હોવા છતાં જૂના એસ.ઓ. આર. મુજબ ટેન્ડર પ્રક્રિયા કેમ કરવામાં આવી ? નવા મુજબ કેમ નહીં ? આ બંનેમાં તફાવત શું છે ? સમય મર્યાદામાં  આ કામ થયું છે કે કેમ? તાંત્રિક મંજૂરી વગર કોન્ટ્રાક્ટરને ચૂકવણું થઇ શકે નહીં? વગેરે રજૂઆતો તેમણે કરી હતી. આ અગાઉ પણ આ મુદ્દે તેમણે રજૂઆતો કરી હોવા છતાં નિંભર તંત્ર દાદ દેતું નથી.વરસાદના કારણે તૂટેલા માર્ગો માટે રિસર્ફેસિંગ પેચ વર્ક માટે રૂા. 3.30 કરોડની ગ્રાન્ટ આવી હતી. આ કામનું ટેન્ડર કરાયું છે કે કેમ ? કેટલા ટેન્ડર આવ્યા ? કે પછી પોતાના કમાઉ દીકરાઓને  આ કોન્ટ્રાક્ટ આપી દઇ કુલડીમાં ગોળ ભાંગી દેવાયો વગેરે આક્ષેપો તેમણે કર્યા હતા. આદિપુરમાં વોર્ડ-1માં ગોપાલ સ્ટેડિયમથી અંજારવાળા રોડ ઉપર હાલમાં જ રિસર્ફેસિંગનું કામ કરાયું છે જેમાં ભ્રષ્ટાચારરૂપી કૂવા જેવડા ખાડા પડી ગયા છે. જેના કારણે એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. આ ગરીબ યુવાનના પરિવારને  થતો મોંઘો ખર્ચો પાલિકા ભોગવે છે. આ બનાવ પછવાડે પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જવાબદાર હોવાનું જણાવાયું છે.જો આ યુવક તથા તેના પરિવારજનોને ન્યાય નહીં મળે તો પોતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તેવી ચીમકી આપવામાં આવી હતી. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ વગેરેની રૂા. 4,35,68,562ની ગ્રાન્ટો આવી છે. આ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવી ? કે તેમાંથી હવે કામ હાથ ઉપર લેવાશે ? તો પછી આગામી સામાન્ય સભાના એજન્ડાઓમાં  તેનો સમાવેશ શા માટે નથી કરાયો ? તથા 14મા નાણાપંચનો બીજો  હપ્તો અને એસ.એસ.પી. હેઠળની રૂા. 10,51,30,000ની ગ્રાન્ટમાં કામ થઇ ગયા છે ? કે થવાના બાકી છે ? આ તમામ પ્રશ્નોને લેખિતમાં જવાબ આપવા તેમણે મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer