ડીપીટી અધિકારીઓના હોદ્દાનાં પાટિયાં બદલવાની તૈયારી

ગાંધીધામ, તા. 28 : દેશના જુદા-જુદા બંદરગાહોમાં એક જ પ્રકારનું પગાર ધોરણ મેળવતા અધિકારીઓના હોદ્દા જુદા-જુદા છે. હોદ્દાઓની એકરૂપતા જળવાય તે માટે હવે જુદા-જુદા વેતનજૂથ માટે એક જ પ્રકારના હોદ્દા નક્કી કરાયા છે. કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના પી.એચ.આર.ડી. વિભાગે આ આદેશ તાજેતરમાં જારી કર્યો છે. મહાબંદર પ્રશાસનના જુદા-જુદા વિભાગો જેવા કે, જનરલ એડમિનીસ્ટ્રેશન, એચ.આર., ટ્રાફિક, એન્જિનીયરિંગ, ફાઈનાન્સ તથા એસ્ટેટ વિભાગની તમામ જગ્યાઓ માટે હવે પગાર ધોરણ મુજબ નવા હોદ્દા નક્કી કરાયા છે, જે તમામ મહાબંદર પ્રશાસનમાં લાગુ કરાશે. પગાર ધોરણ (રિવાઈઝ્ડ) 16400-40500 માટે હવે હોદ્દો આસિસ્ટંટ મેનેજર, 20600-46500 માટે ડેપ્યુટી મેનેજર, 20600-46500 મેનેજર, 24900-50500 સિનિયર મેનેજર, 32900-58000 ડેપ્યુટી જનરલ મેનેજર, 43200-66000 જનરલ મેનેજર, 51300-73000 ચીફ જનરલ મેનેજર તરીકે ઓળખાશે. અત્યાર સુધી જીએ વિભાગમાં સચિવ, ઉપસચિવ જેવા, જ્યારે ઈજનેરી વિભાગમાં ચીફ ઈજનેર, ડેપ્યુટી ચીફ ઈજનેર વગેરે જેવા હોદ્દા હતા. હવે આ તમામ જુદા-જુદા મેનેજરો તરીકે ઓળખાશે. ટૂંકમાં ડીપીટી ભવનમાં વિવિધ ચેમ્બરોની બહાર લગાડાયેલાં પાટિયાં હવે બદલાવવાં પડશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer