ગાંધીધામમાં રખડતા આખલાને લઇને રામલીલા મેદાન પાસે થઇ પડયો ડખો

ગાંધીધામ, તા. 28 : શહેરની પાલિકા દ્વારા સંકુલમાં રખડતા આખલાઓને પકડી પાડી રામલીલા મેદાનમાં રખાય છે અને બાદમાં અમુક પાંજરાપોળમાં મૂકી દેવાય છે. ગત રાત્રે પણ આવી કામગીરી થતી હતી ત્યારે ડખો થયો હતો. પરિણામે પોલીસ બોલાવવી પડી હતી અને બાદમાં કોઇએ દરવાજો ખોલી નાખતાં તમામ ગૌવંશ બહાર આવી ગયા હતા.પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રખડતા ગૌવંશને પકડી પાડી રામલીલા મેદાનમાં રાખવામાં આવે છે. આવા પકડાયેલા ગૌવંશને બાદમાં અમુક પાંજરાપોળમાં મોકલી દેવાતા હોવાનું પાલિકાના સાધનોએ જણાવ્યું હતું. રામલીલા મેદાનમાં છેલ્લા 300 જેટલા ગૌવંશ રહ્યા હતા. ગત રાત્રે ડીસા પાંજરાપોળથી વાહન આવ્યું હતું. આ વાહનમાં ગૌવંશને નાખીને ત્યાં લઇ જવાના હતા. દરમ્યાન અમુક લોકોએ ત્યાં આવીને બબાલ કરતાં પોલીસ બોલાવવી પડી હતી તેવું મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું. બનાવ બાદ ગૌવંશને મોકલવાનું રદ કરાયું હતું. આ માથાકૂટના પગલે મેદાનના ચોકીદાર જતા રહ્યા હતા. પાછળથી કોઇએ મેદાનનો દરવાજો ખોલી નાખતાં તમામ ગૌવંશ બહાર આવી ગયા હોવાનું મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું. દરમ્યાન પાલિકાએ જ દરવાજા ખોલી નાખી ગૌવંશને મુક્ત કરી દીધા હોવાનો આક્ષેપ પણ થયો હતો.દરમ્યાન ભારતીય નવયુગ સંસ્થાના રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે, અમે રામલીલા મેદાને પહોંચ્યા ત્યારે ગૌવંશને ક્રૂરતાપૂર્વક ઢસડીને વાહનોમાં નાખવામાં આવી રહ્યા હતા. ત્યાં કોઇ તબીબ હાજર નહોતા. અહીં ગૌવંશ લેવા આવેલા લોકોના ખેડૂતોના પૂરતા પુરાવા નહોતા. વાહનચાલકો પાસે ગૌવંશ ભરવાની પરમિટ નહોતી. આ અંગે પાલિકા પ્રમુખનો સંપર્ક કરતાં તેમણે અત્યારે ગાડીઓ નહીં ભરાય તેવું કહ્યું હતું. દરમ્યાન આ સંસ્થાના સંચાલકો આજે સવારે મેદાનમાં પહોંચ્યા ત્યારે ગૌવંશ ગાયબ હતો. આ અબોલ જીવ ક્યાં ગયા, મોડેથી ભરીને જવા દેવાયા હતા કે શું તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો. આવતીકાલે મુખ્ય અધિકારીને મળી રજૂઆત કરાશે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ અંગે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપવામાં આવશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer