કોરોના અસરગ્રસ્ત વિસ્તારના પોર્ટમાંથી કંડલા આવતા જહાજોમાં શંકાસ્પદ દર્દી જણાય તો તુરંત જાણ કરો

ગાંધીધામ, તા. 28 : ચીન અને અન્ય દેશમાં ફેલાયેલા ઘાતક કોરોના વાયરસના પગલે કોરોના અસરગ્રસ્ત વિસ્તારના પોર્ટમાંથી જહાજ આવે તો તુરંત જાણ કરવા  દીનદયાલ પોર્ટના મેડિકલ વિભાગ  દ્વારા  પોર્ટ વપરાશકારોને તાકીદ કરવામાં આવી છે. ડીપીટીના ચીફ મેડિકલ ઓફિસરે જારી કરેલા નિર્દેશ પ્રમાણે કોરોના વાયરસ પોર્ટ અને એરપોર્ટ તેના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ છે. ચાઈનાના વુહાન સિટી ઉપરાંત બહારના દેશો ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, જાપાન, સાઉથ કોરિયા, યુએસ, વિયેતનામ, સિંગાપોર, નેપાળ સહિતના દેશોમાં પણ શંકાસ્પદ કેસો જણાયા છે. આ ગંભીર વાયરસ રોકથામ માટે કોઈ સારવાર  કે  દવા ઉપલબ્ધ નથી, ત્યારે રોગને અટકાવવા માટે શંકાસ્પદ કેસોની  વહેલી તપાસ કરવી જરૂરી છે. સીએમઓ દ્વારા તમામ પોર્ટ વપરાશકારોને સૂચના આપતાં જણાવાયું છે કે કોઈ પણ ચીનના પોર્ટ કે દક્ષિણ પૂર્વ એશિયાના દેશના પોર્ટથી જહાજ આવે અને તેના ક્રુને કોઈ પણ રોગના લક્ષણ હોય તો તાત્કાલિક પોર્ટ હેલ્થ ઓફિસર, હાર્બર માસ્ટર અને ડેપ્યુટી કન્ઝર્વેટરને તુરંત જાણ કરવા તાકીદ કરાઈ છે. આ અંગેની દૈનિક વિગતો રાજ્ય અને જિલ્લાકક્ષાએ  આપવામાં આવશે.  અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં સ્વાઈન ફલુનો પ્રથમ કેસ પણ કંડલા બંદરે જ નોંધાયો હતો.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer