પશુધનને ઉગારવા ગામે ગામ જુવાર વાવો દાતાઓ અને પાંજરાપોળો પર દબાણ ઘટે

મુંબઈ, તા. 28 (અમારા પ્રતિનિધિ તરફથી): વરસાદની અનિયમિતતાવાળા કચ્છ જિલ્લામાં પશુધનને ઉગારી લેવા શ્રી વાંકી જૈન મિત્ર મંડળે નહિ ખેડાતાં ખેતરોમાં જુવારની વાવણી કરવાનો રાહ ચીંધ્યો છે અને ચાર વર્ષથી જુવાર વાવે છે. આ વખતે અઢીસો એકરમાં વાવી છે. બે ગોડાઉન અને એક વાડામાં સૂકી જુવાર (કડબ) સંગ્રહી રાખી છે, જે બે વર્ષ ચાલશે.આ માહિતી આપતાં વાંકી મિત્ર મંડળના પ્રમુખ બાબુભાઈ ભવાનજીએ જણાવ્યું કે, અમે જુવારના દાણા વેચ્યા અને વધારાની જુવાર આસપાસની પાંજરાપોળોને રાહતભાવે વેચી. જેથી એ સંસ્થાઓને   રાહત મળી અને અમને જુવારની વાવણીનો ખર્ચ મળી ગયો. ગામમાં કુલ અઢી હજાર એકર જમીન છે. તેમાંથી એક હજાર એકરમાં વાવણી થાય છે. સાડા સાતસો એકર જમીન બીજી પાંજરાપોળને વાવણી માટે આપી છે. ગામમાં કુલ 800 ગાય છે. જેમને દરરોજ કડબ ખવડાવાય છે. અમે પશુધન    માટે કરીએ છીએ તેવું કાર્ય સમગ્ર કચ્છમાં થવું જોઈએ. કચ્છમાં કેટલીય જમીન પડતર પડી છે, ત્યાં જુવાર વાવવી જોઈએ. એ માટે માર્ગદર્શન જોઈતું હશે તો અમારી તૈયારી છે. મારો સંપર્ક કરી શકાય છે.આ કાર્યમાં વાંકી ગામવાસીઓ, મુંબઈવાસીઓ, સ્થાનિક ખેડૂતો, મજૂરોએ એકતા દેખાડી. ગાયો માટે ઉદાર ભાવના દેખાડીને પડતર ખેતરોમાં વાવણી કરી હતી. ચાર વર્ષથી આ કામ થાય છે. પહેલીવાર કામ હાથમાં લીધું ત્યારે ગામમાં સભા બોલાવી હતી. જેમાં દરેક કોમના લોકો આવ્યા હતા. લોકોને જાગૃત કર્યા પછી વાંકી જૈન મિત્ર મંડળ (મુંબઈ)એ લોકો પાસેથી એ વખતે 20 લાખ રૂા. એકઠા કર્યા તેમાંથી ઘાસ ખરીદીને ગાયોને બચાવી હતી. પડતર ખેતરોમાં જુવાર વાવીને જીવદયાનું કાર્ય કરવાનો વિચાર કેમ આવ્યો એ વિશે બાબુભાઈએ કહ્યું કે, જૈન સમાજમાં લગ્ન પ્રસંગે છોકરાવાળા પાસેથી લગ્ન ખરડો લેવાની પ્રથા હતી, જે લગભગ બંધ થઈ ગઈ છે. તેમાંથી જીવદયાનું કાર્ય થતું. તેનો વિકલ્પ શોધતાં આ રસ્તો જડી ગયો હતો. જેને સ્થાનિકોએ વધાવી લીધો. મુંબઈવાસી જમીન-માલિકોની પરવાનગી લીધી. ગામ-લોકોએ પોતાનાં સાધનો આપ્યાં અને શ્રમદાન કર્યું. સમયસર વરસાદ પડયો તેથી ખૂબ સુંદર પરિણામ આવ્યું હતું.બીજા ગામના મહાજનો અને જીવદયા-પ્રેમીઓએ આ કામ ઉપાડી લેવું જોઈએ.મૂંગા જીવોને ઉગારી શકાય. એ સાથે ઉદાર દિલ દાતાઓ પરનો બોજો ઓછો થાય, પાંજરાપોળો પર દબાણ ઓછું થાય.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer