ભુજના ડેવલોપર્સને ચેક પરતના કેસમાં કેદ-બમણા વળતરનો ચુકાદો

કોડાય (તા.માંડવી), તા. 28 (પ્રતિનિધિ દ્વારા) : અપૂરતા ભંડોળના કારણે બેન્કમાંથી રૂા. 1.80 લાખના મૂલ્યનો ચેક પરત ફરતા માંડવીના ધારાશાત્રી બાબુલાલ હીરજી ખાખલા દ્વારા કરવામાં આવેલા નેગોશીયેબલ ધારા હેઠળના કેસમાં ભુજના શરીફ ડેવલોપર્સના સંચાલક શરીફ ફકીરમામદ મોગલને અદાલતે એક વર્ષની કેદ અને ફરિયાદીને ચેકના મૂલ્યથી બમણી રકમ ચૂકવવાનો ચુકાદો આપ્યો હતો. માંડવી ખાતેની ચીફ કોર્ટના ન્યાયાધીશ યુ.બી.દેવડા સમક્ષ આ કેસની સુનાવણી થઇ હતી. લાંબો સમય ચાલેલી આ સુનાવણી દરમ્યાન અનેક ઉતાર-ચડાવ સાથે કાનૂની દાવપેચ અખત્યાર થયા હતા. અંતે બન્ને પક્ષને સાંભળી જરૂરી આધાર પુરાવા તપાસી ન્યાયાધીશ દ્વારા ચેક પરત ફરવા બદલ શરીફ મોગલને જવાબદાર ઠેરવીને તેને આ સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ કેસની વિગતો એવી છે કે આરોપી શરીફ મોગલે તેની શરીફ ડેવલોપર્સ નામની પેઢી મારફતે હપ્તાથી પ્લોટ અને ઘરનું ઘર યોજનના અમલી બનાવી હતી. કેસના ફરિયાદી માંડવીના ધવલનગરમાં રહેતા ધારાશાત્રી બાબુલાલ ખાખલા આ યોજનામાં ગ્રાહક બન્યા હતા અને તેમણે તમામ હપ્તા ભર્યા હતા. પણ તેમને પ્લોટની ફાળવણી કરાઇ ન હતી. આ પછી પ્લોટના બદલામાં રૂા. 1.80 લાખનો ચેક અપાયો હતો. જે પરત ફરતા તે કેસમાં આ ચુકાદો અપાયો હતો. આરોપી વળતરની રકમ ન ચૂકવે તો તેને વધુ કેદમાં રાખવાનો આદેશ પણ ચુકાદામાં કરાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે કે.પી. કાગતડા રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer