આરોગ્ય પોલિસી મુજબ ગ્રાહકને વીમા કંપનીએ સારવારનો ખર્ચ આપવો પડે

ભુજ, તા. 28 : હેલ્થ પોલિસી મુજબ ગ્રાહકને સારવારનો ખર્ચ વીમા કંપનીએ આપવો પડે તેવું તારણ આપીને કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહક ભુજના બંસરીબેન જયપ્રકાશ ગોરની તરફેણમાં અને વીમા કંપની બજાજ એલાયન્સ જનરલ સામે ચુકાદો આપ્યો હતો, તો મેડિકલેઇમને લગતા અન્ય એક કેસમાં ફોરમ દ્વારા ભુજના ગ્રાહક અશોક શાંતિલાલ શાહનો વળતરનો દાવો મંજૂર કરતો આદેશ કરાયો હતો. ભુજના બંસરીબેન ગોરને કમરમાં ઇજા થતાં તેમણે અમદાવાદ ખાતે સારવાર કરાવી હતી. હેલ્થ પોલિસી તળે વીમા કંપનીએ વળતરનો દાવો નકારતાં આ મામલો ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. ફોરમે ગ્રાહકને રૂા. 1.58 લાખનું વળતર નવ ટકા વ્યાજ અને ખર્ચની રકમ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ગ્રાહકના વકીલ તરીકે ગિરીશ ઝવેરી, જયંત અજાણી અને આર.પી. રબારી રહ્યા હતા.જ્યારે કરાર અને શરતોના નિયમના ભંગ બદલ મેડિકલેઇમનો દાવો નકારી કાઢવાના ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીના નિર્ણયને ખોટો ગણી ફોરમ દ્વારા કંપની વિરુદ્ધ અને ગ્રાહક અશોકભાઇ શાહ તરફે ચુકાદો આપ્યો હતો. વીમા કંપની રકમ ખર્ચ  સહિત ચૂકવે તેવો આદેશ કર્યો હતો. આ કેસમાં ગ્રાહકના વકીલ તરીકે ભરતભાઇ વી. શેઠ અને નીતિન આર. ઠક્કર રહ્યા હતા. ભૂકંપગ્રસ્ત ભાડૂત તરફે ચુકાદો ભુજ શહેરમાં સિટી સર્વે વોર્ડ નં. પાંચમાં ધરતીકંપમાં ધ્વસ્ત થયેલી મિલકતના બદલામાંપરબારે અંતિમખંડ મેળવી મકાન માલિક હર્ષદકુમાર શામજી બુદ્ધભટ્ટીએ ભાડૂઆત શંકરલાલ વાલજી નંદાના ભાગે આવતી જમીન ન આપતાં આ મામલે વિવાદ ચાલી રહ્યો હતો. આ બાબતે નાયબ કલેકટર સમક્ષ થયેલી અપીલમાં   ભાડૂઆત શંકરલાલ નંદા તરફે ચુકાદો આપી ભાડૂઆતને તેના માપની જમીન આપવા આદેશ કરાયો હતો. આ કેસમાં ભાડૂઆત વતી વકીલ તરીકે ધનજીભાઇ ભાનુશાલી રહ્યા હતા. મુસ્લિમ લો મુજબ લગ્નવિચ્છેદ ભુજની પ્રિન્સિપાલ ફેમિલી અદાલત મારફતે જાસ્મીન મુસા માંજોઠીએ પોતાના પતિ ઇસ્માઇલ નુરમામદ માંજોઠી સાથેના લગ્નજીવનનો અંત આણતું હુકમનામું મેળવ્યું હતું. ન્યાયાધીશ બી.ટી. દવેએ આ હુકમ કર્યો હતો. આ કેસમાં અરજદાર મહિલાના વકીલ તરીકે એસ.ટી. પટેલ, હિરલ એસ. પટેલ અને વિનોદ વી. મહેશ્વરી રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer