બીએડીપીના કામની મંજૂરીમાં કિન્નાખોરીનો ઊઠેલો આક્ષેપ

ભુજ, તા. 28 : સરહદી વિસ્તારના વિકાસ માટે બનાવાયેલી બીએડીપી યોજના હેઠળના કામોને મંજૂરી આપવામાં કિન્નાખોરી દાખવાતી હોવાનો આક્ષેપ ધોરાવર જૂથ ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી કર્યો છે. સરપંચ હાજી અલાના હાજી હસન સમાએ આક્ષેપ સાથે રજૂઆત કરતાં કહ્યું કે, અગાઉ કામની મર્યાદા પાંચ લાખની વધારી દસ લાખ કરાઈ પણ સરહદી વિસ્તારની પંચાયતોને મળેલ ખાસ પાવર પાછા ખેંચી સરપંચ, તા.જિ. પંચાયત સદસ્યો, સાંસદ, જિ.પંચાયત પ્રમુખ તેમજ વહીવટી વિભાગોને પાવર આપી દેવાતાં કામોની મંજૂરીમાં કિન્નાખોરી ભરી નીતિ અપનાવાઈ રહી છે. સરહદી વિસ્તાર માટે આશીર્વાદરૂપ એવી આ યોજનાની વર્તમાન માર્ગદર્શિકામાં ફેરફાર કરી જૂની ગાઈડલાઈન મુજબ સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈ ગ્રાન્ટ ફાળવાય તેવી માંગણી કરી જરૂર પડયે વિરોધ કાર્યક્રમ આપી ન્યાયાલયના દ્વાર ખટખટાવાની ચીમકી આપવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer