મુજાહિદ સાથે ફરે છે એટલે પોતાને દાદો સમજી સીનસપાટા કરે છે, એમ ને ?

ભુજ, તા. 25 : ખંડણી અને હત્યા સહિતના કેસો હેઠળ હાલે જ્યુડિશિયલ કસ્ટડી (જેલવાસ) ભોગવી રહેલા અત્રેના મુજાહિદ અલીમામદ હિંગોરજા નામના યુવાન સાથે ફરવાના અને તેના કારણે `દાદો' બની સીનસપાટા કરવાના મુદ્દે શહેરમાં છરી વડે થયેલા હુમલામાં વસીમ મૌસીન ખાટકી (ઉ.વ.23) અને તેના નાનાભાઇ મુસ્તફાને ઇજાઓ થઇ હતી. શહેરમાં ભઠારા ફળિયા સ્થિત મસ્જિદની દરગાહના ઓટલા પાસે ગતરાત્રે ભુજમાં દાદુપીર રોડ ઉપર રહેતા ઓસમાણગની ઉમર ગગડાએ આ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ લખાવાઇ છે. છરીથી થયેલા આ હુમલામાં મુસ્તફાને સાથળમાં અને વસીમને હાથમાં ઇજા થવા સાથે તેમને 108 મારફતે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવ બાબતે ભુજ એ. ડિવિઝન પોલીસ મથકમાં વસીમે લખાવેલી ફરિયાદ મુજબ તેઓ બન્ને ભાઇઓ બેઠા હતા, ત્યારે બજાજ પલ્સર બાઇકથી આવેલા ઓસમાણગની ગગડાએ મુસ્તફાને એવું કહયું હતું કે, તું મુજાહિદ હિંગોરજા સાથે ફરે છે એટલે તુંયે પોતાને દાદો સમજવા લાગ્યો છે અને એટલે જ સીનસપાટા કરી રહયો છો. મારી સામે સીનસપાટા કરવા નહીં તેવું કહેતા ગાળાગાળી સાથે તેણે છરી વડે હુમલો કર્યો હતો. જેમાં બન્ને ભાઇ ઘવાયા હતા. કેસની તપાસ ફોજદાર કે.એમ. અગ્રાવતને સોંપવામાં આવી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer