નખત્રાણા સરપંચ પદે લીલાબેન પાંચાણી વિજયી

નખત્રાણા સરપંચ પદે લીલાબેન પાંચાણી વિજયી
નખત્રાણા, તા. 21 : જિલ્લાની સૌથી મોટી ગણાતી અહીંની જૂથ ગ્રામ પંચાયત સરપંચ પદ (ત્રી સામાન્ય)ની પેટાચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં લીલાબેન વિશનજીભાઇ પાંચાણીનો 301 મતોથી વિજયી થતાં આવતા 27 મહિના સુધી તેઓ નખત્રાણાના સરપંચ પદે આરૂઢ થશે. શરૂઆતથી જ રસાકસીભરી તેમજ પ્રતિષ્ઠાસભર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સાત મહિલા ઉમેદવારો સરપંચની આ ચૂંટણી જંગમાં મેદાનમાં ઊતર્યા હતા. જો કે પરિણામ પરથી એટલું તારણ તો નીકળે છે કે ભલે સાત ઉમેદવારો હોય પરંતુ આ ચૂંટણી ત્રિપાંખિયો જંગ બની રહી હતી. આજે સવારે મામલતદાર કચેરીના બીજા માળના હોલમાં ચૂંટણી અધિકારી-કર્મચારી દ્વારા મતગણના શરૂ થઇ હતી. કુલ્લ 19 ચૂંટણી બૂથની ઇલેક્ટ્રીક વોટિંગ મશીનના 19 રાઉન્ડ માટે મતગણતરી કરવામાં આવી હતી. જેમ જેમ મતપેટીઓ ખૂલતી ગઇ તેમ તેમ ટેકેદારો-સમર્થકો કોને કેટલા મતો મળ્યા તેની ગણના સાથે અંદાજ લગાવી રહ્યા હતા. આ સરપંચ પદની ચૂંટણીમાં 53.16 ટકા જેટલું મતદાન થયું હતું. કુલ્લ મતદાન 15462માંથી 8220 જેલા મતો પડયા હતા. તેમાં લીલાબેન વિશનજી પાંચાણીને 2633, તો બીજા નંબરે રહેલા મીનાબેન બ્રિજેશભાઇ ઠક્કરને 2332, ત્રીજા નંબરે રહેલા દમયંતીબેન ડાહ્યાભાઇ સેંઘાણીને 1751, ત્યારબાદ કલ્પનાબેન નવીનભાઇ કટ્ટાને 315, કાજલબેન લક્ષ્મણ વાઘેલાને 825, ચંદ્રિકાબેન જયંતીલાલ પોકાર 154, મગીબેન સુમાર બુચિયા 81, જ્યારે નાટોમાં 129 મતો પડયા હતા. 301 મતથી વિજયી બનેલા લીલાબેન પાંચાણીએ વી-ફોર વિક્ટરી સાથે કચ્છમિત્રને કહ્યું કે, સરપંચ તરીકે મને ચૂંટવા બદલ લોકોનો આભાર. સરપંચ તરીકે જેટલો મને સમય મળ્યો છે તે સમયમાં નગરના વધારેમાં વધારે વિકાસકામો કરવાની સાથે અધૂરા રહેલા કાર્યો પૂરા કરવાનો કોલ આપ્યો હતો. તો બીજીતરફ તેમના પતિ વિશનજીભાઇ પાંચાણી કોંગ્રેસી છે. તેઓ વિજયી થયા તેમ છતાં તેમનું કોઇ વિજય સરઘસ નહોતું નીકળ્યું. વિજય સરઘસ કાઢવા અંગે તેમના પરિવારે અનિચ્છા દર્શાવી હતી. ઉપસ્થિતોમાં પેંડા વહેચી મોં મીઠું કરવાની સાથે પુષ્પગુચ્છથી તેમના વિજયને વધાવવામાં આવ્યો હતો. તો જડોદર ગ્રામ પંચાયતના સરપંચ પદના વનિતાબેન ગુંસાઇ 130 મતથી વિજયી થયા હતા. આજે મામલતદાર કચેરી ખાતે થયેલી મતગણનામાં મામલતદાર એ. એન. સોલંકી, ચૂંટણી અધિકારી સી. આર. વસોયા, આર. ડી. પટેલ (જડોદર), નીલેશભાઇ રાવલ-મદદનીશ ચૂંટણી અધિકારી, નાયબ મામલતદાર કૈલાસ ગોસ્વામી, ભાવેશભાઇ ધનાણી સહિત કર્મચારીઓ જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer