અંજારના સ્વામિનારાયણ મંદિરે 199મા શાકોત્સવની ઉજવણી

અંજારના સ્વામિનારાયણ મંદિરે 199મા શાકોત્સવની ઉજવણી
અંજાર, તા. 21 : અહીંના સ્વામિનારાયણ મંદિરે ધનુર્માસ નિમિત્તે ધૂન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોની પૂર્ણાહુતિના સથવારે મકરસંક્રાંતિના આગમન સાથે 199મા શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. સ્વામિનારાયણ ભગવાને પોષ માસમાં લોહ્યા ગામે પોતે ચુલ્લા પર રીંગણાને ચડવા મૂક્યા અને પોતાના હાથે રીંગણાનું શાક બનાવવામાં આવ્યું હતું ત્યારથી દર વર્ષે સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અંજાર મંદિરે શાકોત્સવની ઉજવણીમાં પૂર્વ ભુજ મંદિર, પ્રસાદી મંદિર, ગાંધીધામ ગુરુકુળ, અંજાર મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ મંદિરના સ્વામી દેવકૃષ્ણદાસજીએ શાકોત્સવનો મહિમા વર્ણવ્યો હતો. શાકોત્સવના દાતા સુખપર હાલે લંડન અ.નિ. વેલજીભાઈ હીરજી ભુડિયા પરિવારનું સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અંજાર મંદિરના કોઠારી સ્વામી અક્ષરપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, શાકોત્સવની ઉજવણીમાં ભક્તોએ હોંશે હોંશે ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મહંત સ્વામી બાલકૃષ્ણદાસજી, મુકુંદજીવનદાસજી સ્વામી, હરિલાલદાસજી સ્વામી, ભુજ મંદિરના દેવકૃષ્ણદાસજી સ્વામી, પ્રસાદી મંદિરના કૃષ્ણપ્રસાદજી સ્વામી, ભક્તિપ્રિયદાસજી સ્વામી, ગાંધીધામ ગુરુકુળના મુક્તવલ્લભદાસજી સ્વામી, સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અંજાર મંદિરના કોઠારી અક્ષરપ્રિયદાસજી સ્વામીએ સંભાળી હતી. સંચાલન દેવવિહારહીદાસજી સ્વામીએ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer