રતડિયામાં પુલ,રસ્તા સહિતના વિકાસનાં કામોનું લોકાર્પણ કરાયું

રતડિયામાં પુલ,રસ્તા સહિતના વિકાસનાં કામોનું લોકાર્પણ કરાયું
માંડવી, તા. 21 : શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર પરિસરને મકડા-મંજલ રોડ સાથે જોડતા એપ્રોચ સસ્તો બાર માસી યાતાયાતને વધુ સગવડભર્યો બનાવવા નદી પર કોઝવે, પુલિયાનું લોકાર્પણ સાંસદ વિનોદભાઇ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે શાત્રોક્ત વિધિપૂર્વક સંપન્ન થયું હતું. વિવિધ સરકારી પ્રાવધાનો સાથે રૂા. આઠ લાખના વિકાસ કામો અવસરે હમલા-મંજલ-પ્યાકાને મકડા પાસે ગઢશીશા- કોટડી સાથે જોડતાં 12 કી.મી. લાંબા રોડ રિસર્ફેસિંગ કામે રૂા. એક કરોડ એંસી લાખની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઇ હોવાની જાણકારી અપાઇ હતી.દોઢ દાયકા બાદ બાર કીમી. લંબાઇવાળા રોડનું રિસર્ફેસિંગ વડે નવીનીકરણ કરાવાશે એવી વિગતો જાણ્યા બાદ મહત્વના તીર્થધામના ભાવિકવૃંદમાં આનંદ છવાઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે 2005માં આ રસ્તે કામ થયું હતું. શ્રી જાડેજા અને શ્રી ચાવડાએ ખૂટતી માળખાગત સુવિધાઓની સમતુલિત પ્રતિપૂર્તિ કરાવવાની હૈયાધારણ આપી હતી. ધારાસભ્ય અને સાંસદનો ઋણ સ્વીકાર ટ્રસ્ટી મંડળના રણજિતસિંહ જાડેજા, વસંતભાઇ ભદ્રા, શામજીભાઇ નાકરાણી, બટુકસિંહ જાડેજાએ કર્યો હતો.આ પ્રસંગે ટ્રસ્ટીઓ દેવેન્દ્ર વ્યાસ, બળદેવસિંહ જાડેજા, મનોજ અમૃતિયા ઉપરાંત મુરુભા જાડેજા, રતનશીભાઇ નાકરાણી, રવજી અરજણ પટેલ, વિનુભાઇ થાનકી, મહેન્દ્ર રામાણી વગેરે સહયોગી રહ્યા હતા. શાત્રોક્ત વિધિ શાત્રી નાગેશ શર્મા, શાત્રી દેવેન્દ્ર શર્માએ કરાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer