કિવી સામેની ટી-20 શ્રેણીમાંથી શિખર આઉટ

મુંબઇ, તા.21: ન્યુઝીલેન્ડ સામેની 24મીથી શરૂ થતી પાંચ મેચની ટી-20 શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડયો છે. ટીમનો આક્રમક ડાબોડી ઓપનિંગ બેટસમેન શિખર ધવન ખભાની ઇજાને લીધે આ શ્રેણીની બહાર થઇ ગયો છે. ધવનને ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ બેંગ્લુરુમાં રવિવારે રમાયેલી આખરી વન ડે દરમિયાન ખભામાં ઇજા થઇ હતી. આથી તે બેટિંગમાં આવી શકયો ન હતો. ભારતીય ટીમ ગઇકાલે ન્યુઝીલેન્ડ પ્રવાસે રવાના થઇ હતી. તેની સાથે ધવન જોડાયો ન હતો. હવે બીસીસીઆઇએ આજે શિખર ધવન કિવિઝ સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર થયાની સત્તાવાર જાહેરાત કરી છે. શ્રેણીમાં તેના સ્થાને ટીમમાં સંજુ સેમસનનો સમાવેશ કરાયો છે. ધવનને ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની ત્રીજી વન ડે દરમિયાન ફિલ્ડીંગ કરતી વખતે ખભામાં ઇજા થઇ હતી. બાદમાં એકસ-રે રિપોર્ટમાં તેની ઇજા ગંભીર હોવાનું બહાર આવ્યું હતું. તેને બે-ત્રણ સપ્તાહનો વિશ્રામ કરવાની તબીબી સલાહ મળી છે. ધવને તાજેતરમાં જ શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં ઇજામાંથી બહાર આવીને વાપસી કરી હતી, પણ તે ફરી ઇજાનો ભોગ બનીને ટીમની બહાર થઇ ગયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer