કોઠારામાં બેફામ બનેલી દબાણ પ્રવૃત્તિ

કોઠારા (તા. અબડાસા), તા. 21 : અબડાસામાં વસ્તીની રીતે બીજા નંબરનું સ્થાન ધરાવતા વિકસિત એવા કોઠારા ગામે ગામતળ, સીમતળ અને ગૌચર જમીન પર અનઅધિકૃત દબાણે માજા મૂકી છે. એટલું જ નહીં આવું દબાણ દૂર કરવા તાલુકા પંચાયતે સામાન્ય સભામાં ઠરાવ કર્યો હોવા છતાં દબાણકારો વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં ન આવતાં ગેરકાયદેસર દબાણ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળી રહ્યું હોવાની છાપ ઊભી થઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે તાલુકા પંચાયતની મુદત હવે પૂરી થવા આવી છે. ત્યારે દબાણકારો વધુ બેફામ બની ગમે ત્યાં ગમે ત્યારે જમીન દબાણ કરી રહ્યા છે. કોઠારા અને અબડાસા તાલુકામાં વકરેલી દબાણ પ્રવૃત્તિ પર અંકુશ લગાવવા વર્ષ 2016 દરમ્યાન તા. 12/8/2016ના ઠરાવ નં. 14 (1) અને 14 (2)થી દબાણ દૂર કરવા તાલુકા પંચાયતે પોતાની રજૂઆત પછી સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. તે પછી સરપંચ અને તલાટીઓને આવું દબાણ હટાવવા 3થી વધુ વખત પરિપત્રો દ્વારા જાણ કરાઈ હતી, તે પછી જવાબદારો વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં ન આવતાં આ રીતે ઠરાવનો અમલ થયો નથી. કોઠારા વિસ્તારનાં તળાવો, તળાવની આવ, ગામતળને લગોલગ આવેલી સરકારી પડતર જમીન, માનપુરા વિસ્તાર, ઉપરાંત મોકાની એવી બસ સ્ટેશન પાસેની સરકારી પડતર સર્વે નં. 853 પૈકીની જમીનમાં શોપિંગ સેન્ટરો ખડાં કરી દેવાયાં છે. નદી-નાળાંનાં કુદરતી વહેણ દબાણકારોએ બંધ કરી દીધાં છે. પરિણામ સ્વરૂપ ચોમાસામાં દર વર્ષે નીચાણવાળા વિસ્તારમાં દિવસો સુધી પાણી ભરેલું પડયું હોય છે. વરસાદમાં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી આવે છે, તેવી જ રીતે ગૌચર જમીન બળૂકા તત્ત્વોએ ખેડી નાખીને જેમાં વીજળી કનેકશન પણ મેળવી લેવાયાં છે. ઢોરોને ચાલવાની પગદંડી (ઘસ) પણ ખેડી નાખવામાં આવી છે. ખાનગી ખેતરો, વાડીવિસ્તારના રસ્તા, પશુઓને પીવા માટેની તળાવડી વગેરે ખેડી નાખવામાં આવ્યા છે. આ અંગે કોઠારા તા.પં. વિસ્તારના સદસ્યા સુવર્ણાબેન ચેતનભાઈ રાવલના જણાવ્યાનુસાર કોઠાર વિસ્તારમાં નિરંકુશ બેનલી દબાણ પ્રવૃત્તિ પર રોક લગાવાય તેવી માગણી ઊઠવા પામી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer