આદિપુરના વૃદ્ધ મહિલા સાથે આરોગ્ય કાર્ડને નામે 30 હજારની છેતરપિંડી

ગાંધીધામ, તા. 21 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં આદિપુરની પછવાડે આવેલી સિદ્ધેશ્વર રેસીડેન્સીમાં એક વૃદ્ધાને મેડિકલ કાર્ડ બનાવી આપવાનું કહી એક ઠગ મહિલા રૂા. 30,000ના દાગીના લઇને નાસી ગઇ હતી. સિદ્ધેશ્વર રેસીડેન્સીના મકાન નંબર 115માં એકાદ મહિના પહેલાં પરિવાર સાથે રહેવા આવેલા સોનબાઇ શિવજી મહેશ્વરી નામના વૃદ્ધા ગત તા. 16/1નાં પોતાના ઘરે એકલા હતા. આ વૃદ્ધા ઘરની બહાર હતા ત્યારે ત્યાં એક અજાણી મહિલા આવી હતી અને પાણી પીવાના બહાને તે વૃદ્ધાના ઘરમાં ઘૂસી હતી. થોડા સમય પહેલાં અહીં રહેવા આવેલા વૃદ્ધાને એમ હતું કે આ મહિલા પાડોશમાં ક્યાંક રહેતા હશે. ઘરમાં આવ્યા બાદ આ ઠગ મહિલાએ નિ:શુલ્ક મેડિકલ કાર્ડ બનાવવાનું ચાલુ કર્યું તેમ કહી આ વૃદ્ધાને ગાંધીધામમાં મામલતદાર કચેરી સામે લઇ ગઇ હતી. કચ્છી ભાષામાં બોલતી આ ઠગ મહિલા આનંદ હોસ્પિટલમાં જઇ હું તમારું નામ નોંધાવી આવું છું તેમ કહી અહીં તમારા શરીરનું સ્કેન કરશે એટલે તમારા દાગીના ઉતારી નાખો તેમ કહ્યું હતું તેવામાં વૃદ્ધાએ કાનની સોનાની બૂટી ઉતારી રૂમાલમાં બાંધી આ મહિલાને આપી દીધી હતી. બાદમાં આ ફરિયાદી વૃદ્ધાને પાસેની એક દુકાનમાંથી ફેર્મ લઇ આવવાનું કહ્યું હતું અને આપણો નંબર આવતાં વાર લાગશે તેમ કહી વૃદ્ધાને મોરખિયા હાર્ટ હોસ્પિટલ બાજુ લઇ ગઇ હતી. જ્યાં ચાની હોટલે બન્નેએ ચા પીધી હતી બાદમાં તમારો નંબર આવી ગયો હશે તમે જાઓ તેમ આ ઠગ મહિલાએ કહ્યું હતું આ ભોગ બનનાર વૃદ્ધા મગજની સારવાર કરતી આ આનંદ હોસ્પિટલમાં જતાં આવું કોઇ કાર્ડ અહીં ન બનતું હોવાનું બહાર આવ્યું હતું. અને તેઓ પરત ઠગ મહિલા પાસે જતાં તે નાસી ગઇ હતી. રૂા. 30,000ના દાગીનાની છેતરપિંડી વિશ્વાસઘાતના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની  તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer