સરાડા જૂથ ગ્રા. પં.નો કોડ ન હોતાં વસતી ગણનામાં બાકાત રહે તેવી ભીતિ

સરાડા (તા. ભુજ), તા. 21 : 1963માં સ્થાપના થયેલી સરાડા જૂથ ગ્રામ પંચાયતનો વસતીનો કોડ નથી. જે ખૂબ જ ગંભીર બાબત હોવાનું સરપંચ દ્વારા જણાવાયું હતું. આ અંગે બબાંબાઈ જતની યાદીમાં જણાવાયા મુજબ બન્ની વિસ્તારની કુલ 19 ગ્રામપંચાયતો છે. તેમાં સૌથી મોટી સરાડા જૂથ ગ્રામ પંચાયત છે. કમનસીબે વસતીનો કોડ નથી. જેથી 2011ની વસતી ગણનામાં બાકાત રખાઈ હતી. હવે 2021માં પણ જો નવો કોડ નહીં મળે તો ફરી બાકાત રહેવાનો વારો આવશે.  1200 જેટલા મતદાર અને 3300 જેટલી વસતી ધરાવતી સરાડા જૂથ ગ્રા. પં.નો વજૂદ ખતમ થવા ઉપર છે, જેથી આ મુદ્દે હવે ચૂપ નહીં રહેવાય અને ગાંધીનગર સુધી લડત કરાશે તેમ છતાં દાદ નહીં મળે તો કોર્ટમાં પણ પડકારશું, આ અંગે કલેકટરને રૂબરૂ રજૂઆત કરાતાં તેમણે હૈયાધારણ આપી કે ગાંધીનગર કોડ માટે દરખાસ્ત કરાશે અને સાંસદ વિનોદભાઈ ચાવડાને પણ રૂબરૂ રજૂઆત કરી હતી. આ મુદ્દે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખને પણ લેખિત જાણ કરી હોવાનું જત બબાંબાઈની યાદીમાં જણાવાયું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer