અંજારમાં ઘરમાં ઘૂસી દોઢ લાખની લૂંટ !

ગાંધીધામ, તા. 21 : અંજારના પ્રજાપતિ છાત્રાલય વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી એક મહિલા ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી રોકડ રકમ, મોબાઈલ, દાગીના એમ રૂા. 1,55,500ની મતાની લૂંટ કરી એક ઈસમ નાસી ગયો હતો. બીજી બાજુ ગાંધીધામના મીઠી રોહર નજીક ત્રણ લૂંટારુએ એક યુવાન પાસેથી રૂા. 4500ની લૂંટ ચલાવી હતી.અંજારના પ્રજાપતિ છાત્રાલય વિસ્તારમાં રહેનારા રાજલબેન ડોડિયાના પતિ હિતેશભાઈ છેલ્લા સાતેક મહિનાથી રાજકોટમાં રિક્ષા ચલાવે છે અને આ મહિલા પોતાના બાળકો સાથે અહીં રહી મજૂરીકામ કરે છે. ગાંધીધામના કિડાણામાં રહેનારી આ મહિલાના  ધર્મના માતા હનિફાબેન તથા આ મહિલાનો ભત્રીજો કાસમ ઈસ્માઈલ ચાવડા વારંવાર આ મહિલાના  ઘરે આવતા હતા. ગઈકાલે સાંજે પણ આ બંને મહિલાના ઘરે આવ્યા હતા. આ ઈસમ કાસમે રાજલબેનને તારી પાસે કેટલા રૂપિયા છે તે મને આપી દે તેવું કહેતાં મહિલાએ તેની ના પાડી હતી તેવામાં  ઉશ્કેરાયેલા આ ઈસમે લોખંડનો પાઈપ ઉપાડી મહિલા ઉપર હુમલો કર્યો હતો અને તેની પાસેથી રોકડા રૂા. 8000ની લૂંટ ચલાવી હતી. બાદમાં કબાટનાં તાળાં તોડી તેમાંથી સોનાનો હાર, બે મોબાઈલ  વગેરે મળીને કુલ રૂા. 1,55,500ની લૂંટ ચલાવી હતી અને આ મહિલા તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મહિલાને સારવાર અર્થે ખસેડાતાં તેના હાથમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ થઈ હોવાનું બહાર આવ્યું હતું. બીજીબાજુ મીઠીરોહરમાં રહેનારા ધીરજ રમેશદાસ નામનો યુવાન ગાંધીધામની બજારમાં આવ્યો હતો. અહીં કામ પતાવીને તે પરત મીઠી રોહર જઈ રહ્યો હતો ત્યારે ગૌશાળા પાસે તેને ત્રણ શખ્સે રોકાવ્યો હતો અને છરી બતાવી તેની પાસેથી  રૂા. 4500 તથા સરકારી કાગળિયા, એ.ટી.એમ. કાંડ વગેરેની લૂંટ ચલાવી તેને ધક્કો મારી નાસી ગયા હતા. આ બનાવમાં ભોગ બનનારને પગમાં ઈજાઓ થતાં તેને ભુજ સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer