લાંચના કેસમાં નાયબ મામલતદારને કેદ-દંડ

ભુજ, તા. 21 : પેટ્રોલપંપનું લાયસંસ રિન્યુ કરી આપવાના કામના બદલામાં રૂા. 10 હજારની રકમની લાંચ લેવાના આરોપસર પાંચ વર્ષ પહેલાં પકડાયેલા જિલ્લા કલેકટર કચેરીની પુરવઠા શાખાના તત્કાલીન નાયબ મામલતદાર વિક્રમસિંહ મલસિંહ રહેવરને તકસીરવાન ઠેરવીને જિલ્લા અદાલતે તેને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂા. 15 હજારના દંડની સજા ફટકારી હતી. અત્રેના અધિક સેશન્સ જજ એમ.એમ.પટેલ સમક્ષ લાંચના આ કેસની સુનાવણી થઇ હતી. તેમણે બન્ને પક્ષની દલીલો ઉપરાંત પાંચ સાક્ષી અને 41 દસ્તાવેજી પુરાવા તપાસીને લાંચ લેવાના આરોપ માટે આરોપી તત્કાલીન નાયબ મામલતદાર પુરવઠા વિક્રમાસિંહ રહેવરને જવાબદાર  ઠેરવ્યો હતો અને તેને કેદ અને દંડની સજા ફટકારતો આ ચુકાદો આપ્યો હતો. આ પ્રકરણમાં ન્યાયાધીશે આરોપીને ભ્રષ્ટાચાર અધિનિયમ કલમ 13 (1)(ઘ) સાથે 13(2)ના ગુના માટે ત્રણ વર્ષની સાદી કેદ અને રૂા. 10 હજાર દંડ તથા કલમ 7 માટે એક વર્ષની સાદી કેદ અને રૂા. 5000ના દંડની સજા સંભળાવી હતી. જો આરોપી દંડની રકમ ન ભરે તો તેને વધુ ત્રણ મહિના સાદી કેદમાં રાખવાનો પણ ચુકાદામાં આદેશ કરાયો હતો. આ કેસમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજા હાજર રહ્યા હતા. કેસની પૂર્વવિગતો એવી છે કે માંડવી તાલુકાના તલવાણા ગામના રહેવાસી અને સુદર્શન પેટ્રોલિયમ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ફરિયાદીને કંપનીના પેટ્રોલપંપનો પરવાનો તાજો કરાવવાનો હતો. આ માટે તેમણે પુરવઠા શાખાના સબંધિત કામ સંભાળતા નાયબ મામલતદાર વિક્રમાસિંહ રહેવરનો સંપર્ક કરતાં તેણે આ કામ કરી આપવા માટે રૂા. 10 હજારની લાંચની માગણી કરી હતી. આ દરમ્યાન ફરિયાદીએ આ મામલે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સમક્ષ ફરિયાદ કરતાં સફળ છટકું ગોઠવીને આરોપીને રંગેહાથ પકડી તેની સામે આ કેસ દાખલ કરાયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer