જી.કે. જનરલ હોસ્પિટલમાં દર મહિને 200 દર્દી આહાર નિષ્ણાતોની સલાહ લે છે

ભુજ, તા. 21 : રાષ્ટ્રીય આહાર વિજ્ઞાન દિનની જી. કે. જનરલ હોસ્પિટલમાં 10મી જાન્યુઆરીના ઉજવણી કરાઇ હતી. આહાર વિદ્યા ઉપર નિદર્શન અપાયું હતું. હોસ્પિટલમાં દર મહિને 200 જેટલા દર્દી આહાર નિષ્ણાતોની સલાહ લે છે. જનરલ હોસ્પિટલ તાલીમ કક્ષમાં અધિકારીઓ, કર્મચારીઓને ડાયરેકટર વી.એસ. ગઢવીની ઉપસ્થિતિમાં ભોજન વિજ્ઞાન ઉપર નિર્દશન આપતા આહાર શાત્રી હીરવા ભોજાણી અને જાનકી તન્નાએ કહ્યું કે, દવાની સાથે ખોરાકનું પણ એટલું જ મહત્ત્વ હોવાથી મોટી હોસ્પિટલમાં આહાર શાત્રી રાખવામાં આવે છે. માત્ર હોસ્પિટલ જ નહીં, ખોરાક ઉદ્યોગ, રેસ્ટોરેન્ટ, મોટી શાળા, સ્વૈચ્છિક સંસ્થાઓ નિષ્ણાત આહાર શાત્રીઓ રાખતા થયા છે. વધુમાં કહ્યું કે, જી.કે.માં રોજ 300 દર્દીઓ માટે આરોગ્યપ્રદ ભોજન તૈયાર કરવામાં આવે છે. રસોડામાં ખાસ નજર રાખવામાં આવે છે. દર ત્રણ માસે રસોઈઘરના કર્મચારીઓની આરોગ્ય ચકાસણી થાય છે અને તેમના આરોગ્યનો રેકોર્ડ રાખવામાં આવે છે. દર્દીનાં નામ અને દર્દ મુજબ ખોરાક પીરસવામાં આવે છે. હોસ્પિટલમાં પૂર્ણ ભોજન રૂપે રોટી, શાક, ભાત, દાળ, હળવા ભોજનમાં દાળ-ભાત, કઢી-ખીચડી, ડાયાબિટીસ વિરુદ્ધ આહાર કઠોળ અને ઇંડાંવાળા હાઇ પ્રોટીન, પ્રવાહી, જરૂર જણાય તો નળીથી અને મોઢેથી લઇ ન શકતા દર્દીને છ વખત નળી વાટે ખોરાક અપાય છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાને સુખડી, શીરો, લાપસી તેમજ બાળકોને બે વખત દૂધ અપાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer