આર.ડી. વરસાણી-રામકૃષ્ણ-માંડવી સેમિમાં

આર.ડી. વરસાણી-રામકૃષ્ણ-માંડવી સેમિમાં
મસ્કા, તા. 18 : કચ્છ ક્રિકેટ એસોસીએશન સંચાલિત કચ્છમિત્ર એન્કરવાલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અહીંના બચુભાઈ રાંભિયા સ્પોટર્સ કોમ્પલેક્સ ખાતે આર. એચ. પી. શાળા-મસ્કાને હરાવીને રામકૃષ્ણ હાઈસ્કૂલ-માંડવીએ તેમજ બી. બી. એમ. હાઈસ્કૂલ-બિદડાને હરાવીને આર. ડી. વરસાણી શાળા-ભુજે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સવારે કે.સી.એ.ના શંકર રાઠોડે ટોસ ઉછાળ્યો હતો. આર.ડી. વરસાણીએ મેન ઓફ ધ મેચ અવનીશ કેરાઈના 29 દડામાં બે ચોગ્ગા સાથે 24, અંબરીશ કારાના 26 દડામાં 3 ચોગ્ગા સાથે 29 અને સુરેશ જેસાણીના 29 દડામાં 3 ચોગ્ગા સાથે 26 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 111 રન કર્યા હતા. સેકન્ડ મેન ઓફ ધ મેચ મિતરાજ ચાવડાએ 7 રનમાં 4 અને કનકસિંહ જાડેજાએ 21 રનમાં બે વિકેટ ખેરવી હતી. જવાબમાં બિદડાની ટીમ 54 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. યશ ધામેચા અને નિશાંત અઘારે 10-10 રન કર્યા હતા. આર.ડી. વતી કૈલાસ પીંડોરિયાએ 8 રનમાં 3, અવનીશે 4 રનમાં બે વિ. ઝડપી હતી. રાજ પેથાણી અને કિરણ મહેશ્વરી અમ્પાયર તો દીપ પેથાણી સ્કોરર રહ્યા હતા. બપોરે નીલેશ ગઢવી અને પુનીશભાઈએ ટોસ ઉછાળ્યો હતો. મસ્કા હાઈસ્કૂલે સેકન્ડ મેન ઓફ ધ મેચ કરણ કેશવાણીના 65 દડામાં 7 ચોગ્ગા સાથે 54, અબ્દુલ કાદરના 1 ચોગ્ગા સાથે 18 અને દીપ પેથાણીના 12 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 120 રન કર્યા હતા. રામકૃષ્ણ વતી મેન ઓફ ધ મેચ મુસ્તકીન સુમરાએ 14માં બે, સ્નેહ ફુફલે 21માં 1 વિ. ઝડપી હતી. ત્યારબાદ મુસ્તકીનના 43 દડામાં 6 ચોગ્ગા સાથે 42, ઉજેર સુમરાના 3 ચોગ્ગા સાથે 28 અને અયાન ચાકીના 4 ચોગ્ગા સાથે 19 રનના સહારે માંડવીએ 19.2 ઓવરમાં 7 વિકેટે લક્ષ્ય આંબ્યું હતું. મસ્કા વતી દીપે 14માં બે, ક્રિષ નાગુએ 12માં બે અને કાવ્ય મોતાએ 20માં બે વિ. ખેરવી હતી. શ્યામ ગઢવી અને રાહુલ મોતા અમ્પાયર તો રાહુલ જોગી સ્કોરર રહ્યા હતા. કીર્તિ ગોર અને શાંતિલાલ પટેલે સંચાલન સંભાળ્યું હતું. એસ.પી.એમ. ગ્રુપ દ્વારા ખેલાડીઓ માટે રોજ નાસ્તાની વ્યવસ્થા કરાય છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer