વતનથી યોજનો દૂર ફૌજી કછીયતથી અભિભૂત!

વતનથી યોજનો દૂર ફૌજી કછીયતથી અભિભૂત!
`અરે સર હમારે મુલ્ક કે ઈસ કોને કા બસા યે જિલ્લા જીતના હાઈપ્રોફાઈલ એરિયા ઔર કહીં નહીં મિલેગા... મૈં યહાં દેઢ સાલ સે હું... ક્યા ધરતી હૈ... વાહ...' કચ્છ સરહદે સીમાદળના એક અધિકારી પાસે આ શબ્દો સાંભળ્યા... અને જે રીતે વ્યક્ત થયા એ જોઈને એમ જ લાગે કે કોઈ હાડોહાડ કચ્છી માડુ જાણે બોલી રહ્યો છે. બીએસએફના એ ફોજી દોઢેક દાયકાથી રાષ્ટ્રની રખેવાળીની ફરજ બજાવે છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં રહી ચૂક્યા છે. તેમની લાંબી ખેંચાતી જતી વાતોનો સંદર્ભ પ્રવાસન, સંશોધનનો હતો. સરકારે કચ્છમાં બોર્ડર ટૂરિઝમની કોઈ જોગવાઈ રાખી ન હોવા છતાં ગુજરાતભરમાંથી, દેશના વિવિધ વિસ્તારમાંથી પર્યટકો ઊમટી રહ્યા છે. બીએસએફની મંજૂરી લઈને સીમાચોકીઓ ધમરોળી નાખે છે. પંદરેક ટૂરિસ્ટ વાહનોની લાંબી કતાર ભણી ઈશારો કરતાં એ ફોજી કહે છે, કચ્છ પ્રવાસનના નક્શામાં પોપ્યુલર થયું છે એ સાચી વાત. દર વર્ષે લાખો ટૂરિસ્ટ અહીં આવતા થયા છે, પરંતુ તેમની જાણકારી કચ્છ એટલે ધોરડોનું સફેદ રણ, કાળો ડુંગર, માંડવી, માતાના મઢ, નારાયણ સરોવર પૂરતી સીમિત છે. એટલે જ સફેદ રણમાં ફરી, શોપિંગ કરી એટલે પત્યું. પણ કચ્છની ભૂવિશિષ્ટતા એકલ-ખડીર, કાઢવાંઢના નમકાચ્છાદિત રણ, પંખી-જીવસૃષ્ટિની વૈવિધ્યતા, ફોસિલ્સ, ખનિજ સમૃદ્ધ ધરતી, ભવ્ય પૌરાણિક સ્થળો, ખમીરવંતો ઈતિહાસ આ બધું ક્યાં બતાવાય છે ? હસ્તકળા બેનમૂન કહેવાય છે, એનું સર્જન કઈ રીતે થાય છે એની ખાસ કોઈને ખબર પડતી નથી. કચ્છ કુદરતી આફતોમાંથી કઈ રીતે બહાર આવ્યું, આજે કચ્છમાં મહાકાય ઉદ્યોગો શાનું ઉત્પાદન કરે છે એની ક્યાં કોઈને ખબર પડે છે ! સીમાદળના અધિકારીની ફરિયાદ એ હતી કે કચ્છનો સર્વગ્રાહી ચહેરો દુનિયાના પર્યટકો સામે મૂકવાની જરૂર છે. એ માટે આખું તંત્ર કામે લગાડવાની જરૂર છે. આવું થાય તો ટૂરિઝમ કચ્છના આવકનું મુખ્ય સ્રોત  બની જાય, પણ એ માટે કચ્છ વિશે અંગ્રેજી અને હિન્દીમાં સર્વગ્રાહી વિગતો આવરી લેતાં પુસ્તક હોવાં જોઈએ. કચ્છમિત્ર દ્વારા તાજેતરમાં પ્રકાશિત `પ્રવાસનની પાંખે કચ્છ'ની ભેટ આપીને `આમાંથી તમને થોડું અંગ્રેજીમાં પણ વાંચવા મળશે' એમ કહ્યું... એ સાંભળીને ફોજી ખુશ થઈ ગયા... પણ તેમની ડિમાન્ડ ઊભી જ હતી... એ કહે, આપકા પત્ર યે કર શકતા હૈ... આપ કુછ કીજીએ... અડધો-પોણો કલાક તેમની સાથે વિતાવીને છૂટા પડયા ત્યારે મનમાં એક છબી અંકિત થઈ કે પરિવાર, વતનથી સેંકડો કિલોમીટર દૂર વસતા, એકાકી જીવન વિતાવતા આ અધિકારીઓ એક, દોઢ વર્ષ એક સ્થળે માંડ રહેતા હોય છતાં કેવા ઓતપ્રોત થઈ જાય છે. પોતાની કર્મભૂમિની ચિંતા કરે અને હા, પોતાની ફરજ પ્રત્યે એકદમ ચુસ્ત. રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવી, દેશના બદલાતા માહોલની ચર્ચા કરી તો સ્પષ્ટ કહ્યું, ઈન્ડિયા બદલ રહા હૈ.. સરહદી વિસ્તાર માટે દેશદાઝથી ભરપૂર સારા અધિકારી હોવા સદ્નસીબની વાત છે. આઝાદી પછી પોલીસ દળ, બીએસએફ કે કસ્ટમ જેવી એજન્સીમાં કેટલાય એવા અફસર મળ્યા છે જેમણે કચ્છમાં રહીને દેશની સુરક્ષા માટે અસરકારક કામગીરી બજાવી છે. કુલદીપ શર્મા, સી.પી. સિંગ, આર. આર. વિલિયમ્સ, એ.કે. સિંગ, હિંમત મિત્રી અને પી.કે. ઝા જેવા પોલીસ અધિકારીઓનાં નામ આજે પણ કેટલાક પ્રકરણોમાં લોકજીભે ચર્ચાય છે. કચ્છ પાકિસ્તાન સાથે ભૂમિ અને સાગર સીમા સાથે સંકળાયેલું છે. સમયાંતરે ઘૂસણખોરી, કેફી દ્રવ્યોની દાણચોરી, લાલ ચંદન પકડાયાના બનાવ બનતા રહે છે. ગેરકાયદે શરાબ ઘૂસાડવાનું પ્રમાણે મોટું છે. આતંકવાદનો ખતરો હંમેશાં ગંભીર પડકાર બનીને ઊભો છે એ રખે ભૂલાતું. કચ્છ સરહદી પ્રદેશ છે. આપણી ફોજની સજાગતા થકી પાકિસ્તાન આંખ ઉઠાવીને જોઈ શક્યું નથી. પરંતુ કુટિલ રમત રમીને શત્રુદેશ આપણા મહત્ત્વના અધિકારીને પલોટી નાખે તો તેનાં કેવા ખતરનાક પરિણામ આવે એની કલ્પના ધ્રુજાવી મૂકે છે. શ્રીનગરમાં આતંકીઓનો પિઠ્ઠુ બનીને દેશની આંખમાં ધૂળ ઉડાડનાર ડીએસપી દેવેન્દરસિંગનો કિસ્સો તાજો છે. કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓની તપાસમાં ખૂલ્યું કે, દેવેન્દર લાંબા સમયથી ખૂંખાર આતંકવાદીઓના સંપર્કમાં હતો. આતંકવાદીઓને પોતાના ઘરમાં પનાહ આપતો હતો. જમ્મુ-કાશ્મીર હાઈવે પર દક્ષિણ કાશ્મીરના કાજીગુંડ શહેરમાં પોલીસ ચેકપોસ્ટ પર દેવેન્દરની ગાડી અટકાવીને તલાશી લેવાતાં હિઝબુલ કમાન્ડર સૈયદ નાવિદ, તેના બે સહયોગી આતંકીઓ મળી આવ્યા હતા. દેવેન્દરસિંગ આતંકવાદીઓનો લાંબા સમયથી મળતીયો હોવાની સુરક્ષા દળોને ગંધ આવી ચૂકી હતી. આ સનસનીખેજ ઘટના પછી ગંભીર સવાલ એ ઉઠયા છે કે કાશ્મીરમાં દેવેન્દરના બીજા કેટલા મળતિયા હશે ? તેનો આકા કોણ ? કોનું પીઠબળ હતું ? પ્રશ્ન એ પણ છે કે, સંસદ પર હુમલો કરવા માટે દોષિત આતંકવાદી અફઝલ ગુરુએ 2004માં પોતાના વકીલને પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, આ જ દેવેન્દરના કહેવાથી તેણે સંસદ પર હુમલો કર્યો હતો અને પાકિસ્તાની આતંકી મોહમદને રહેવા માટે મકાન અને કારની વ્યવસ્થા કરી હતી. આમ છતાં તેની સામે કોઈને શંકા સુદ્ધાં ન ગઈ ! આના પાછળનું કારણ શું ? તપાસ આગળ વધશે એમાંથી રહસ્યો ખૂલશે. આ કિસ્સો એવું સૂચવે છે કે સીમાવર્તી ક્ષેત્રોમાં સિસ્ટમ એકદમ ચુસ્ત-દુરસ્ત હોવી જોઈએ. એજન્સીઓની ભૂમિકા મહત્ત્વની હોય છે. ગુનાખોરીની પ્રવૃત્તિમાં રહેલા લોકોને તંત્ર કરતાં વધુ બીક બાતમીદારોની હોય છે. દેવેન્દરના ખાખી વર્દી પહેરીને દેશવિરોધી ધંધા ચોંકાવનારી બાબત કહેવાય. પરંતુ તે પકડાઈ ગયો એ મોટી રાહતની વાત છે. આપણા સુરક્ષા તંત્ર અને ફોજનું મનોબળ ઊંચું છે. દેશ માટે કંઈ પણ કરી છૂટવા જવાનો આતુર હોય છે. સેના માત્ર એક લડાયક સંગઠન કે રાષ્ટ્રશક્તિનું સાધન નથી. દેશમાં તેનું એક વિશેષ સ્થાન છે. એક તરફ આખો દેશ સેના દિવસ મનાવતો હતો, ત્યાં બીજી તરફ કાશ્મીરમાં 100થી વધુ સૈનિક એક સગર્ભા મહિલાને હોસ્પિટલે લઈ જવા માટે સ્ટ્રેચર પર ઊંચકીને 4 કલાક સુધી બરફવાળા માર્ગ પર ચાલ્યા હતા. હકીકતમાં ભારે બરફવર્ષા વચ્ચે સગર્ભા શમીમાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી હતી. કોઈ વ્યવસ્થા ન હોવાથી જવાનોએ તેને સ્ટ્રેચર પર ઊંચકીને ચાર કલાક સુધી પગે ચાલીને હોસ્પિટલે પહોંચાડી હતી. બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો. માતા-બાળક બંને સ્વસ્થ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સેનાની બહાદુરીને સલામ કરી હતી. સેના દિવસ થોડા દિવસ પહેલાં જ ગયો. સૌ જાણે છે કે, આપણી આન-બાન અને શાન ભારતીય સેના વિકટ પરિસ્થિતિઓમાં પણ દેશની સેવા માટે તત્પર રહે છે. પછી એ કચ્છનું રણ હોય કે, સિયાચીન ગ્લેશિયરની હાડ ગાળતી ઠંડી અને બર્ફીલો શિયાળો હોય. ભારતીય સેના વિશ્વની સૌથી મોટી વોલિંટીયર મિલિટરી એટલે કે `સ્વયંસેવી સેના' પણ છે, જેની પાસે 12 લાખથી વધુ સક્રિય સૈનિક અને નવ લાખથી વધુ અનામત દળો છે. કદી પણ કોઈ પણ દેશ પર પહેલાં હુમલા નહીં કરવા સાથે કોઈ પણ દેશ પર કબ્જો ન કરવાનો વિક્રમ પણ ભારતીય સેનાના નામે છે. ગોળા બારૂદ, હથિયારોના મામલે ભારતીય સેના અમેરિકા, રશિયા, ચીન બાદ ચોથાં સ્થાને છે. કચ્છ એવો જિલ્લો છે જ્યાં લશ્કર, વાયુસેના, સીમા સુરક્ષા દળ અને કોસ્ટગાર્ડ સક્રિય છે. યુદ્ધ અને શાંતિકાળના અનેક પ્રસંગોએ સૂચવ્યું છે કે કચ્છીઓને સેના સાથે ભળીને રહેતા આવડી ગયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer