ડીપીટી ટ્રાફિક મેનેજર ઉપર ગંભીર આક્ષેપ

ગાંધીધામ, તા 13 : કંડલા ઝોનથી કંડલા બંદર તરફ જતા માર્ગ ઉપર દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા 10 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પાર્કિંગ પ્લોટમાં શરૂ કરાયેલા ગેરકાયદે પાર્કિંગ મામલે કુશળ અકુશળ કામદાર સંઘ દ્વારા પોર્ટના ટ્રાફિક મેનેજર સામે ગંભીર આક્ષેપો કરાયા છે. આના કારણે પ્રશાસનને જંગી રકમનો આર્થિક ફટકો પડયો હોવાનું  સંગઠન દ્વારા જણાવાયું છે. કામદાર સંઘના જનરલ સેક્રેટરી વેલજી જાટના જણાવ્યા પ્રમાણે આજે સચિવ અને ટ્રાફિક મેનેજરને રૂબરૂ મળી પાર્કિંગ વ્યવસ્થા સંદર્ભની પાકી પહેંચ રજૂ કરતા ભાંડો ફૂટયો હતો. દરમ્યાન   ટ્રાફિક મેનેજરે ગાંધીધામ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશનને  બિનસત્તાવાર પાર્કિંગ વ્યવસ્થા ચાલુ કરવા મૌખિક સૂચના આપી હોવાની કબૂલાત કરી હોવાનો દાવો કામદાર સંગઠને કર્યો હતો. આ અંગે ડીપીટી પ્રવક્તાનો સંપર્ક કરાતાં તેમનો ફોન નો રિપ્લાય થયો હતો.  પછીથી પ્રવક્તાએ સામેથી ફોન કરીને આ  વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે ટ્રાફિક વ્યવસ્થાને સહાયભૂત થવા આવું કરાયું હતું. પાર્કિંગ પ્લોટમાં ડ્રાઈવરોના કહેવા પ્રમાણે રાત્રિના 8 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી ઓવરલોડ ટ્રકોને પાર્ક કરવા માટે એસોસીએશન તરફથી 350 રૂપિયા વસૂલવામાં આવે છે. આ રસીદની નકલો પણ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ પ્લોટમાં એક સાથે 150થી 200 ગાડીઓ પાર્ક કરી શકાય છે. 150 ટ્રકો ઊભી રહી હોય તો 350 લેખે રોજના રૂા.52,500 થાય. છ મહિનામાં  રૂા. 97,65000ની રકમની ગેરકાયદે વસૂલાત કરાઈ છે. જેનાથી પોર્ટને એક કરોડની ખોટ થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ઉગ્ર ચર્ચા બાદ ટ્રાફિક મેનેજરે મૌખિકમાં જણાવ્યું હતું કે આવતીકાલે આ પ્લોટ ઉપર ડીપીટી પ્રશાસન દ્વારા  કબ્જો લઈ ટ્રાફિક આઉટડોર કલાર્ક બેસાડવામાં આવશે અને એક ટ્રક દીઠ રૂા. 25 લેવાની શરૂઆત કરવામાં આવશે. તેમજ પાણી, લાઈટ, ખુરશી, ટેબલોની વ્યવસ્થા પ્રશાસન તરફથી કરાશે. અને ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવાશે  તેમજ  6 મહિનામાં જેટલી ટ્રકોનું પાર્કિંગ થયું તેટલી ટ્રકના એક ટ્રકના રૂા. 50 લેખે ગણતરી કરી તે રકમ ભરવા ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશનને હુકમ કરાશે તેવું તેવી માહિતી કામદાર સંગઠનને ટ્રાફિક મેનેજરે આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer