નાગરિકતા ખરડાથી કચ્છમાં રહેતા શરણાર્થીઓમાં ખુશીનો માહોલ

નાગરિકતા ખરડાથી કચ્છમાં રહેતા શરણાર્થીઓમાં ખુશીનો માહોલ
ભુજ, તા. 12 : નાગરિકતા અંગેનો ખરડો લોકસભા તથા રાજ્યસભાએ પસાર કર્યો અને હવે આવનારા સમયમાં તે કાયદાનું સ્વરૂપ લેશે તેથી ખૂબ આનંદ થયો છે. આ ખરડાથી ભારતમાં આવેલા નાગરિકતા ઈચ્છતા તથા સિંધમાં રહેલા અને ભારતમાં આવવા ઈચ્છતા સૌ માટે સરળ માર્ગ બન્યો છે તેથી કચ્છ અને સિંધમાં ખુશીનો માહોલ છે. પાકિસ્તાનની સિંધ સરકારના લઘુમતી વિભાગના પૂર્વ મંત્રી તથા સિંધના થરપારકર જિલ્લાના મીઠી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં કચ્છમાં નખત્રાણામાં સ્થાયી થયેલા રામસિંહ સોઢાએ નાગરિકતા ખરડાને આવકાર આપી તેનો રાજીપો વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહપ્રધાન અમિત શાહને અભિનંદન આપ્યા હતા. નાગરકિતા ખરડાથી ખૂબ ખુશ જણાતા શ્રી સોઢાએ આજે કચ્છમિત્ર કાર્યાલય ખાતે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતી ગણાતો હિન્દુ સમાજ આજે ત્યાં સામાજિક તથા સુરક્ષા અંગેની અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે અને આ મુશ્કેલીઓમાંથી છૂટવા તે વિઝા મેળવી ભારત આવી અને ભારતના નાગરિક બનવા ઉત્સુક છે. તેવા લોકોમાં પણ આ ખરડાથી ખુશીનો  માહોલ છવાયો છે. વ્યવસાયે ધારાશાત્રી એવા રામસિંહ સોઢા 1985-86ના વર્ષમાં સિંધ સરકારમાં મંત્રી હતા એ પછી પણ મીઠીના ધારાસભ્ય તરીકે ચાલુ હતા તે સમયે લાંબી મુદતની વિઝા મેળવી 2010માં કચ્છમાં આવ્યા હતા અને નખત્રાણામાં સ્થાયી થયા હતા. પોતાને ભારતનું નાગરિકત્વ સરળતાથી મળ્યું હોવાની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે તેમને 2018માં ભારતનું નાગરિકત્વ મળી ગયું છે. પોતે સિંધના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય હોવા છતાં અનેક સમસ્યાઓનો સામનો કરી સિંધ છોડવું પડયું અને ભારતનું નાગરિકત્વ મેળવવું પડયું છે, તો સામાન્ય લઘુમતી નાગરિકોની શી દશા હશે તેમાં તમે જ વિચાર કરો એવું જણાવી ત્યાંની સમસ્યાઓની તેમણે વાત કરી હતી. ભારત આવ્યા પછી સિંધમાં વસતા લઘુમતીઓ તથા ભારત આવેલા પરિવારોની સમસ્યા અંગે ભારત સરકારને વિગતે રજૂઆત કરી હતી, જેમાં   નાગરિકત્વની    પણ વાત હતી. જે હવે આ ખરડો પસાર થતાં તે સમસ્યા હલ થશે તેથી આનંદ થયો છે. આ ખરડાથી સીમાપારના દેશમાં વસતા તથા કચ્છમાં આવી વસેલા હિન્દુ પરિવારોનો આનંદ સમાતો ન હોવાનું પણ તેમણે કહ્યું હતું. સંસદના બન્ને ગૃહે પસાર કરેલા ખરડાની નકલ હાથમાં આવશે ત્યારે તેનું અધ્યયન કરી તેમાં કરાયેલી જોગવાઈઓથી વધુ વિગતો મળશે પરંતુ હાલમાં પાકિસ્તાનથી લાંબી મુદતની વિઝા મેળવી ભારતમાં સ્થાયી થયેલા કોઈ વ્યવસાય કરી શકતા નથી. તબીબ પણ પોતાની પ્રેક્ટિસ કરી શકતા નથી. આવા લોકો ભારતમાં નાગરિકતા મેળવતાં સુધી પોતાનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન કરી શકે તે માટે ભારત સરકારને પોતે રજૂઆત કરી હોવાનું જણાવી શ્રી સોઢાએ આ સમસ્યાનું નિરાકરણ ખરડામાં હશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભારત આવવા માટેની વિઝા પ્રક્રિયા હાલમાં ખૂબ જટિલ છે એ પ્રક્રિયા પણ સરળ બનાવવાની જોગવાઈ ખરડામાં હોય તો ખૂબ સુંદર એવી પણ આશા વ્યક્ત કરતાં રામસિંહભાઈએ જણાવ્યું કે સિંધથી લાંબા સમયના વિઝા મેળવી આવતા મૂળ કચ્છીઓને ભારત આવ્યા પછી કચ્છ જિલ્લા સિવાય ગુજરાતમાં કે અન્ય રાજ્યમાં રહેવું પડે છે. આથી ત્યાંથી આવેલા કચ્છી પરિવારો વેરવિખેર છે. આ સમસ્યાનો પણ સરકાર ઉકેલ લાવે અને સિંધથી કચ્છમાં રહેવા ઈચ્છતા ને કચ્છમાં જ તેના પરિવારજન સાથે રહેવા મળે તે માટે ભારત સરકાર યોગ્ય કરશે તેવી પણ એમણે આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે કચ્છ અને પાકિસ્તાનના સિંધમાં વસતા પરિવારો વચ્ચે સામાજિક-પારિવારિક આદાન-પ્રદાનના સંબંધો છે તેમાં પ્રવર્તમાન જોગવાઈઓથી મુશ્કેલી પડે છે તેનું નિરાકરણ જરૂરી છે. શ્રી સોઢાએ વધુમાં જણાવ્યું હતું કે, 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી સિંધમાંથી કચ્છમાં આવી ગયેલા પરિવારોને ખેતી માટે જમીન તથા રહેણાક માટે સહાય આપવામાં આવી હતી. આવી જ સહાય એ પછી આવેલા પરિવારોને નથી અપાતી, તે પણ આપવામાં આવે તો તમામ પરિવારો કચ્છમાં સુખચેનથી રહી શકે. પાકિસ્તાન કરતાં કચ્છમાં આ પરિવારો મુક્તિનો આનંદ મેળવી રહ્યા છે. તેમાં વધારો આપી ભારત સરકાર સહાય કરશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનમાં લઘુમતી હિન્દી પરિવારોને કઈ જાતની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેવા એક સવાલમાં શ્રી સોઢાએ જણાવ્યું કે આઝાદી પછી પાકિસ્તાનમાં હિન્દુઓની વસતી તેની કુલ્લ વસ્તીના 22 ટકા હતી આજે માત્ર 2 ટકા છે, એ જ દર્શાવે છે કે ત્યાં લઘુમતીઓ કેટલી મુશ્કેલીમાં છે. અત્યારે પાકિસ્તાનમાં હિન્દુ કન્યાઓ માટે અભ્યાસની કોઈ જોગવાઈ નથી, તેમ ધર્મ પરિવર્તનની સમસ્યા પણ વિકરાળ બની છે. આથી આ દોજખમાંથી આ પરિવારો વહેલી તકે છૂટવા માગે છે. ત્યારે ભારત સરકારનો આ કાયદો ખૂબ જ ખુશીના સમાચાર આપનારો છે તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું

 
પાકિસ્તાનના લઘુમતીઓ માટે માર્ગ આસાન થયો
કચ્છમિત્ર કાર્યાલયની મુલાકાતે આવેલા સિંધના પૂર્વ લઘુમતી મંત્રી અને ધારાસભ્ય રામસિંહ સોઢાના પુત્ર ગુમાનસિંહ સોઢાએ પણ ભારત સરકારે પસાર કરેલા ખરડા અંગે આનંદ વ્યકત કરતાં જણાવ્યું હતું. પાડોશી દેશથી કચ્છમાં આવવા ઇચ્છાતાઓ માટે માર્ગ આસાન થયો છે. પાકિસ્તાનના સિંધમાં મીઠી ડિસ્ટ્રીક્ટ કાઉન્સિલ (મીઠી જિલ્લા પંચાયત)માં શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલા ગુમાનસિંહ સોઢા 2010માં  લાંબી મુદ્દતની વિઝા પર કચ્છ આવ્યા અને 2016માં તેમને નાગરિકત્વ મળી ગયું હતું. પોતાને મળેલા નાગરિકત્વ માટે તેમણે મોદી સરકારને આભારી હોવાનું જણાવ્યું હતું. ભારત આવ્યા પછી તેમને  કચ્છમાં નિયંત્રણ હોવાથી પહેલાં જૂનાગઢના જેતપુર તથા એ પછી મોરબીમાં વસવાટ કરવો પડયો હતો. નાગરિકત્વ મળ્યા પછી નખત્રાણા વસી શકાયું. પોતાને નડેલી આ સમસ્યા હવે પછી આવનારા કે નાગરિકત્વ મેળવવા ઇચ્છતા લોકોને ન નડે તેવી ભારત સરકાર પાસે આશા હોવાનું જણાવ્યું હતું.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer