જમીનો હડપતા લોકો સામે ગાંધીધામમાં પોલીસ કડક કાર્યવાહી કરવા કટિબદ્ધ

જમીનો હડપતા લોકો સામે ગાંધીધામમાં પોલીસ કડક કાર્યવાહી કરવા કટિબદ્ધ
ગાંધીધામ, તા. 12 : સરહદી પોલીસ રેન્જના મહાનિરીક્ષકના પૂર્વ કચ્છ પોલીસ માટેના ત્રિદિવસીય વાર્ષિક નિરીક્ષણ અંતર્ગત આજે લોકદરબારનું આયોજન કરાયું હતું જેમાં ટ્રાફિક, ડ્રગ્સ, યુવતીઓની છેડતી, સ્કૂલ રિક્ષા, ભારતનગર પોલીસ ચોકી, દારૂ?વગેરે અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ડી.આઇ.જી. સુભાષ ત્રિવેદીના ત્રિદિવસીય વાર્ષિક નિરીક્ષણ અંતર્ગત આજે લોકદરબાર યોજાયો હતો જેમાં શાળાના રિક્ષા-છકડા ચાલકોની તપાસ, તેમના લાયસન્સ, બહાર લટકતા થેલા (સ્કૂલ બેગ) વગેરે અંગે રજૂઆત કરાઇ હતી. ટાગોર માર્ગ ઉપર અકસ્માતો વધી ગયા છે ત્યારે બંને બાજુના સર્વિસ રોડ?ખોલાવવા રજૂઆત કરવામાં આવી હતી તેમજ નાના પોલીસકર્મીઓ માટે વીમા પોલિસી લેવા મોહનભાઇ?ધારશીએ રજૂઆત કરી હતી, જેના જવાબમાં ડી.આઇ.જી.એ પોલીસકર્મીઓ માટે જૂથ?વીમા પોલિસી હોવાનું કહ્યું હતું. કોંગ્રેસ અગ્રણી શૈલેન્દ્રસિંહ જાડેજાએ ડી.પી.ટી. એ.ઓ. બિલ્ડિંગથી ફાટક સુધીનો પાર્કિંગ ઝોન હોવા છતાં મોટા વાહનો અહીં ઊભા રહેતા હોવાનું અને ભારતનગર જેવા વિસ્તારોમાં લુખ્ખા તત્ત્વો દ્વારા રોમિયોગીરી કરાતી હોવાનું જણાવાયું હતું. રોમિયોગીરીને અટકાવવા મહિલા પોલીસકર્મીઓને સાદા પહેરવેશમાં મોકલાવી અસામાજિક તત્ત્વોને પકડી પાડવા આઇ.જી.એ સૂચના આપી હતી. મહેશ્વરી સમાજના અગ્રણી ખીમજીભાઇ થારૂએ વાવાઝોડા કેમ્પ વગેરે વિસ્તારમાં દારૂ બંધ થવા બદલ આભાર વ્યક્ત કરી સેક્ટર-7માં સરકારી શાળાને રજા મળે ત્યારે પોલીસ પેટ્રોલિંગ કરવા માંગ કરી હતી. ગરીબ અને પૈસાદાર વચ્ચેની ખાઇ વધતી જાય છે. હાલમાં વર્ગવિગ્રહ શરૂ થઇ રહ્યો છે ત્યારે કોઇપણ તત્ત્વો વર્ગવિગ્રહ કરવાની કોશિશ કરશે તો તેને મુકાશે નહીં તેવું સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દેશી દારૂથી ગરીબ લોકો બરબાદ થઇ રહ્યા છે ત્યારે આવી ભઠ્ઠી પકડાય તો વધુ આનંદ થતો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના માનદમંત્રી આશિષ જોષીએ કંડલામાં સી.સી. ટી.વી. કેમેરા લગાવવા, દીવાબત્તી, ટાગોર રોડ, ભોમરાજ જગાણી માર્ગ આસપાસના દબાણો હટાવવાની રજૂઆત કરી હતી. તો શહેર કોંગ્રેસના પ્રમુખ સંજય ગાંધીએ ટાગોર માર્ગ પરના ટ્રાફિક સિગ્નલ પાંચ વર્ષથી બંધ પડયા હોવાનું કહ્યું હતું. પ્રોપર્ટી ડીલર એસો.ના હોદ્દેદારોએ જમીનો ઉપર ગેરકાયદેસરના દબાણો અંગે જાણ કરતાં આઇ.જી.એ આવા તત્ત્વોના નામ આપવા કહી અને આવા લોકો વિરુદ્ધ ફરિયાદ કરી કડક કાર્યવાહીની ખાતરી આપી હતી.કિશોર પિંગોલે હજુ પણ અમૂક જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલુ હોવાનું કહ્યું હતું. શીખ સમાજના અગ્રણીઓએ કહ્યું હતું કે, બહારથી આવતા લોકોની માહિતી પોલીસને અપાતી નથી ત્યારે આઇ.જી.એ કહ્યું હતું કે, 15 દિવસમાં તમારા ભાડૂઆતોની માહિતી પોલીસ મથકે આપી દેવી, 16મા દિવસથી પોલીસ કાર્યવાહી કરશે અને મકાન માલિક વિરુદ્ધ ગુનો નોંધાશે.આ સંકુલમાં ડ્રગ્સ વેચાતું હોવાની રજૂઆતો પણ કરવામાં આવી હતી જે જરાય સાંખી નહીં લેવાય તેવું શ્રી ત્રિવેદીએ કહ્યું હતું. દરમ્યાન, અહીંના મહેશ્વરી સમાજ દ્વારા આઇ.જી.નું આવતીકાલે સન્માન કરાશે તેવું અહીં જણાવાયું હતું. આ લોકદરબારમાં પૂર્વ કચ્છના પોલીસવડા પરીક્ષિતા રાઠોડ, અન્ય અધિકારીઓ, અશોકભાઇ ઘેલા, જીવરાજ ભાંભી, મહેન્દ્રસિંહ જુણેજા, ભરત ગુપ્તા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer