મુંદરાને સુધરાઇનો દરજ્જો આપવા મુખ્યમંત્રીને રજૂઆત

મુંદરાને સુધરાઇનો દરજ્જો આપવા મુખ્યમંત્રીને રજૂઆત
મુંદરા, તા. 12 : મુંદરાને નગરપાલિકાનો દરજ્જો મળે તે માટેની રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ કરવામાં આવી છે. સરપંચ ધર્મેન્દ્ર જેશરે આપેલી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રા.પં. દ્વારા 2011-2013 અને 2016 દરમ્યાન વિવિધ રજૂઆત કરવામાં આવી હતી, જેના સંદર્ભ પત્ર ટાંકીને નગરપાલિકાના દરજ્જા માટેની લેખિતમાં ફાઇલ રજૂ કરી હતી.  જેના અનુસંધાનમાં મુખ્યમંત્રીએ રૂબરૂ રજૂઆત સાંભળીને આ અંગેની સરકારી કાર્યવાહી ઝડપથી પૂરી કરી જેમ બને તેમ ટૂંક સમયમાં મુંદરાને નગરપાલિકાનો દરજ્જો મળે તેવી આશા જાગી છે. સરપંચે પત્રમાં જણાવ્યું છે કે, ગ્રા.પં. દ્વારા 2011 અને 2013માં સંલગ્ન કચેરીઓને મુંદરાને નગરપાલિકાનો દરજ્જો મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. તા. 15/6/16ના મંત્રી તારાચંદભાઇ છેડા દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને મુંદરા અને બારોઇ ગ્રા.પં.ને સંયુકત રીતે નગરપાલિકાનો દરજ્જો મળે તે રજૂઆત કરી હતી. જે અનુસંધાને તત્કાલીન સેકશન અધિકારી એ.પી. મકવાણા (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ-ગાંધીનગર) દ્વારા  મુખ્ય નગર નિયોજક ગાંધીનગરને જાણ કરેલી છે. તાજેતરમાં  મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત દરમ્યાન સ્થાનિક ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની સાથે મુંદરા તા. ભાજપના મહામંત્રી કીર્તિભાઇ ગોર, ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, માંડવી તા. ભાજપના પ્રમુખ સુરેશભાઇ સંઘાર, કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઇ થાનકી, મુંદરા શહેર ભાજપ મંત્રી પ્રકાશ ઠક્કર, ગ્રા.પં. સદસ્ય વૈભવ ધારક ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer