પ્રક્રિયા જ બદલો! કમસેકમ કુલપતિ તો ઝડપી મળે!

દિવ્યેશ વૈદ્ય દ્વારા-  ભુજ, તા. 12 : ગુજરાતમાં રાજ્ય સરકાર હેઠળ રહેલી યુનિવર્સિટીઓમાં તેના બંધારણ મુજબ કુલપતિઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરાય છે. નિયમો અનુસાર સર્ચ કમિટી બને છે, તેની બેઠકો મળે છે અને બાદમાં બંધ કવરમાં નામો સરકારને મોકલીને અંતે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નામોની ઘોષણા થતી હોય છે.  કમિટીનાં સભ્યો કચ્છ અને ભાવનગર યુનિ.માં ચાર-ચાર છે, બાકીમાં ત્રણ છે. પહેલાં રાજભવનને નામો મોકલાતા. જોકે, તે એક ઔપચારિકતા રહેતી અને છેવટે સરકારની પસંદગીની વ્યકિત પર જ કળશ ઢોળાતો. કુલપતિનું પદ છેલ્લા દોઢેક દાયકામાં લગભગ રાજકીય જ બની ગયું છે અને નિયમોનું ધોરીધરાર ઉલ્લંઘન થતું હોવાના અનેક યુનિવર્સિટીના મામલા માધ્યમોમાં ચમકે છે એ બધું હવે જગજાહેર છે અને ઉચ્ચ શિક્ષણ જગતે હવે લગભગ સ્વીકારી પણ લીધું છે, પરંતુ મુદ્દો એ છે કે, મોટા-મોટા ખર્ચ અને પોતાનાને જ પદમાં બેસાડવાનું વલણ હવે સર્વ સ્વીકાર્ય બની ગયું છે, છતાં પણ પરિણામ શૂન્ય છે. હાં, કચ્છ યુનિવર્સિટીને સંબંધ છે ત્યાં સુધી છેલ્લા 12 મહિનાથી પરિણામ શૂન્ય છે.  કુલપતિ પદ માટે સર્ચ કમિટીના ચાર સભ્યોની નિમણૂક સમયસર થઇ. બેઠકો મળી પણ જાન્યુઆરીમાં  ત્રીજા કાયમી કુલપતિની મુદ્દત પૂર્ણ  થઇ તેના એકાદ મહિનામાં જ નામ જાહેર થઇ જશે તેમ મનાતું હતું પણ તેમ ન થયું. બિનસત્તાવાર તો બધા માને છે કે, હવે ફરી પ્રક્રિયા થશે, પરંતુ રાજકારણમાં ગૂંચવાયેલા આ મામલામાં જો એવો સત્તાવાર નિર્ણય લેવાશે કે, નવી સર્ચ કમિટી રચી પ્રક્રિયા  ફરી કરવી તો આ ખર્ચ કોના માથે  ભારી ? યુનિવર્સિટી માથે ! યુનિવર્સિટીના નાણા અંતે સરકારના  અને વિદ્યાર્થીઓના એટલે આપણા  જ એળે ગયા ને ?ઉચ્ચ શિક્ષણ સંલગ્ન અનુભવીઓને પૂછતાં જાણવા મળે છે કે, કમિટીની બેઠક મળી એટલે તેના સભ્યોને અને દેખીતી રીતે રજિસ્ટ્રાર સાથે હોય એટલે તેમનો  એમ પાંચ જણનો આવવા-જવાનો ખર્ચ, એય વિમાનનું ભાડું, સારામાં સારી હોટલમાં રહેવાનું ભાડું અને આનુષંગિક ખર્ચ યુનિવર્સિટીઓ ભોગવે છે. આવી એક જ બેઠક નહીં ત્રણ ચાર બેઠક મળે છે અને તે દિલ્હી, અમદાવાદ, ગોવા, હૈદરાબાદ જેવા મહાનગરોમાં જ મળે છે. ક્યારેક એવું પણ બને છે કે, કોઇ વરિષ્ઠ સભ્ય તેમના વિસ્તારમાં  જ બેઠક મળે તેવો આગ્રહ રાખે છે. એ ભલે થાય.., અને કુલપતિ પણ  ભલે સરકારની   પસંદગીના જાહેર થાય, પરંતુ પરિણામ આવે તો કામનું. અન્ય યુનિવર્સિટીઓમાં ભલે મંત્રીઓના આંતરિક ઘર્ષણ વચ્ચે સરકારનું ધાર્યું થયું પરંતુ પરિણામ તો મળ્યું છે..., કચ્છમાં તો એવી  ગૂંચ સર્જાઇ છે કે, સર્ચ કમિટી ફરી રચવાની સત્તાવાર જાહેરાત થોડા સમયમાં થઇ  શકે છે. એક શિક્ષણવિદે્ કહ્યું કે, આ કરતાં તો સરકાર કુલપતિ પસંદગી પ્રક્રિયા જ બદલી નાખે એ સારું છે. કમસે કમ  પરિણામ ત્વરિત મળે. યુનિવર્સિટીઓના નીતિવિષયક અને વિકાસના કામોમાં ગતિ આવે. એ વધુ સારું રહે કે, કુલપતિ પસંદગી સમિતિ તત્સમયના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રચાય, શિક્ષણમંત્રી હોય, સચિવ હોય કે એકાદ બે શિક્ષણવિદો્  સમાવિષ્ટ હોય, કમસે કમ તાત્કાલિક નિર્ણય આવે અને કુલપતિ નિમાઇ જાય. હવેની પદ્ધતિ મુજબ આમેય સરકાર બંધ કવરમાં મુકાયેલા નામોમાંથી અંતે પોતાની પસંદગીના નામ જ જાહેર કરે છે. શાસકપક્ષ સામે જોડાયેલી સંસ્થા-સંઘનું જ વધુ વજન રહે છે. એકેય નામમાં સહમતી ન થાય તો સમગ્ર પ્રક્રિયા જ ફરીથી કરવા અને પછી પસંદગીની વ્યકિતનું નામ કવરમાં આવે તેવો રાજકીય વ્યૂહ રચાય છે, તેના કરતાં તો પદ્ધતિ જ બદલી જાય એવું હવે વધુ હિતાવહ લાગે છે. કારણ કે, સમય અને ખર્ચ તો બચે. સાથે સાથે સરકારની આબરુ પણ બચે. આમેય હવે બે દાયકા પહેલાં કુલપતિ પદની  જે ગરિમા હતી એ ઘસાતી દેખાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer