પાક વીમો તો ચૂકવ્યો પણ પેનલ્ટી ભરવામાં વીમા કંપનીની દાંડાઈ

ભુજ, તા. 12 : ગયા વર્ષે અને આ વર્ષે લંબાયેલા ચોમાસા અને કરા સાથે વરસેલા માવઠાંએ ખેડૂતોને મોટી નુક્સાની પહોંચાડી છે. સંભવિત નુક્સાનને ટાળવા માટે ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાક વીમો તો લીધો પણ ગત ચોમાસા બાદનું બાકી ચૂંકવણું આ સાલે રહીને રહીને થોડા દિવસ પહેલાં જ મળ્યું છે. જો કે કચ્છના વહીવટીતંત્રે વિલંબિત ચૂકવણા મુદે વીમા કંપનીને પેનલ્ટી ફટકારાયાને 9 માસ જેટલો સમય વિતવા આવ્યો હોવા છતાં પેનલ્ટીની વસૂલાત કરવામાં સફળતા મળી નથી. ખેડૂતોને પાક વીમાના ચૂકવણા ન કરાવી શકનારા તંત્ર પેનલ્ટીની વસૂલાત કરવામાં નિષ્ફળ પૂરવાર થયું છે તેમ કહેવું અતિશ્યોકિત ભર્યું લાગતું નથી.  પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતોને કરાયેલા વિલંબિત ચૂકવણાના મુદે કચ્છના તંત્રે ગત માર્ચ માસમાં અમદાવાદની એગ્રીકલ્ચરલ ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડને 12 કરોડ 12 લાખની પેનલ્ટી ભરવાની નોટિસ આપી હતી. આ પેનલ્ટી વિલંબિતચૂકવણા ઉપરાંત વીમા કંપનીએ ટેન્ડરમાં દર્શાવેલી શરતોના ભંગ કર્યાનું પણ ધ્યાને ચડતાં પેનલ્ટી ફટકારવાની આ કાર્યવાહી કરવામાં આવી હતી.  જો કે લાંબો સમય વીતી જવા છતાં આ પેનલ્ટીની વસૂલાત થઈ શકી નથી. જે તે સમયે જો આ વીમા કંપની પેનલ્ટીની ભરપાઈ નહીં કરે તો પ્રીમિયમ સબસિડીમાંથી તેની કપાત કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે તેની પણ અમલવારી કાગળ પર જ રહી ગઈ છે. આ વીમા કંપનીએ જિલ્લા અને તાલુકા મથકે ઓફિસ ખોલવી તેમાં સ્ટાફની નિયુકિત કરવી  સહિતની ટેન્ડરમાં દર્શાવેલ શરતોને દરકિનાર જ કરી છે. 3 અલગ અલગ મુદે પેનલ્ટી ફટકારવામાં આવી હોવા છતાં વસૂલાત વહીવટી આંટીઘૂંટીમાં જ અટવાયેલી પડી છે. આ બાબતે નાયબ ખેતીવાડી નિયામક (વિસ્તરણ) દિનેશ મેણાતને પૂછતાં તેમણે પેનલ્ટીની વસૂલાત ન થઈ શકી હોવાની વાતને સમર્થન આપી કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વસૂલાત માટેની પ્રક્રિયા આગળ ધપાવી રહી છે. અમને એવી આશા છે કે થોડા જ સમયમાં 12 કરોડની પેનલ્ટીની વસૂલાત કરી લેવામાં આવશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer