ટી-20 ક્રમાંક : કોહલી ફરી ટોપટેનમાં

મુંબઇ, તા. 12 : ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધિનાં શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે. આ બંને ખેલાડી આઈસીસી ટી-20 બેટિંગ ક્રમાંકમાં આગળ વધ્યા છે. લોકેશ રાહુલે 3 સ્થાનનો કૂદકો મારીને 6ઠ્ઠું સ્થાન હાંસલ કર્યુ છે જ્યારે કોહલીએ પાંચ સ્થાનના ફાયદાથી ટોપ-ટેનમાં ફરી પ્રવેશ કર્યો છે. રાહુલે વિન્ડિઝ વિરુદ્ધની આખરી ટી-20 મેચમાં 56 દડામાં 91 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે કોહલીએ 29 દડામાં ધૂંઆધાર 70 રન બનાવ્યા હતા. પહેલી બે મેચમાં નિષ્ફળ રહેનાર રોહિત શર્માએ પણ 71 રનની ઇનિંગ્સ રમી હતી. આમ છતાં એ એક સ્થાન ખસીને 9મા નંબર પર આવી ગયો છે. ટોપ-ટેન બોલરમાં એકપણ ભારતીય સામેલ નથી. વોશિંગ્ટન સુંદર 14મા સ્થાને છે, જે આ સૂચિમાં ભારતનો સર્વોચ્ચ ક્રમાંકિત બોલર છે. સુંદર પછી દીપક ચહર 21મા, કુલદીપ યાદવ 28મા અને ભુવનેશ્વર કુમાર-યજુવેન્દ્ર ચહલ 30મા અને 32મા સ્થાને છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer