આ ઇનિંગ્સ લગ્નની વર્ષગાંઠ પર ભેટ

મુંબઇ, તા. 12 : વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની ત્રીજી ટી-20 મેચની 67 રનની આક્રમક જીત અને 2-1થી શ્રેણી કબ્જે કર્યાં બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને વર્લ્ડ ક્રિકેટના કિંગ ગણાતા વિરાટ કોહલીએ કહ્યંy હતું કે, મારી આ એક વિશેષ ઇનિંગ્સ હતી. આજે (બુધવારે) અમારી લગ્નની બીજી વર્ષગાંઠ છે. આથી આ વિશેષ ભેટ છે. આ એક વિશેષ રાત છે. મારી અત્યાર સુધી રમેલી સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ પૈકીની એક છે. પહેલાં બેટિંગ કરતાં અમે શાનદાર જીત હાંસલ કરી છે. આથી વાસ્તવમાં આ સફળતા સારી રીતે મહેસૂસ કરી રહ્યો છું. મને ખબર છે કે, હું ત્રણેય ફોર્મેટમાં ટીમને યોગદાન આપી શકું છું. હવે વિશ્વકપ આવવાનો છે. એથી હું ઘણો પ્રેરિત પણ છું. શ્રેણી વિજયનો યશ સુકાનીએ ટીમની સંઘભાવનાને આપ્યો હતો અને યુવા ખેલાડીઓને ફિલ્ડિંગમાં વધુ ચુસ્ત બનવાની અપીલ કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં કેપ્ટન કોહલીએ 29 દડામાં 7 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 70 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રોહિત શર્માએ 34 દડામાં 6 ચોગ્ગા અને પ છગ્ગાથી 71 અને કેએલ રાહુલે પ6 દડામાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાથી 91 રનની ઇનિંગ્સ રમી હતી. આથી ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 240 રનનો જંગી જુમલો ખડકયો હતો. કોહલી મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો, જ્યારે રાહુલ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. બન્ને ટીમ વચ્ચે હવે ત્રણ મેચની વન ડે શ્રેણી રમાશે. જેનો પ્રારંભ 1પ ડિસેમ્બરથી ચેન્નાઇમાં થશે. વન ડે શ્રેણીમાં ઇજાગ્રસ્ત શિખર ધવનના સ્થાને મયંક અગ્રવાલનો ભારતીય ટીમમાં સમાવેશ થયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer