ગાંધીધામમાં 17મીથી મહિલા ક્રિકેટ સ્પર્ધા

ગાંધીધામ, તા. 12 : અહીના કચ્છ ડીસ્ટ્રીક રૂરલ ક્રિકેટ એસોસીએશન દ્વારા કચ્છમાં સૌપ્રથમ વખત ઈન્ટર ડીસ્ટ્રીક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સુજાન વુમન્સ ટ્રોફીનું આયોજન કરાયું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનથી મહિલા ખેલાડીઓને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે સારી તક મળશે તેવો આશાવાદ વ્યકત કરાઈ રહ્યો છે.આ આયોજન અંગેની વિગતો આપતા કે.ડી.આર.સી.એના પ્રમુખ શેખર અયાચીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના 9 ડીસ્ટ્રીકટ પૈકી ગાંધીધામ અને જામનગરને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમાં મહિલા ક્રીકેટરની ટીમ નથી. આજે મહિલાઓને આ ક્ષેત્રમાં સારી એવી રકમની મેચ ફી મળે છે ત્યારે અત્યારે કચ્છની મહિલા ખેલાડીઓને તક આપવાનો આ સાચો સમય છે. તેમણે વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટના આયોજન માટે ખાસ સૌરાષ્ટ્ર ક્રીકેટ એસોસીએશનની મંજુરી મેળવવામાં આવી છે. આ એક ફ્રેન્ડલી ટુર્નામેન્ટ નથી. એક ઓર્ગેનાઈઝ ટુર્નામેન્ટ છે. મેચના ધારાધોરણો જળવાઈ રહે તે માટે સૌરાષ્ટ્ર ક્રીકેટ એસોસીએશન દ્વારા બે એમ્પાયર આપવામાં આવશે. અને ખાસ બે સીલેકટર પણ આવશે. આમ આ ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરનારી મહિલા ખેલાડીના પ્રદર્શનની નોંધ લેવાશે. અને આગળ વધવાની તક મળશે. તેમણે જણાવ્યું હતું કે કે.ડી.આર.સી.એની મહિલા ખેલાડી રીના મોતા એક માત્ર વેસ્ટ ઝોનની ટીમમાં પસંદગી પામી છે. સમગ્ર સૌરાષ્ટ્રના 9 જિલ્લામાંથી એક માત્ર ગાંધીધામની ખેલાડીની આ ટીમમાં પસંદગી થઈ છે. જે એક ગૌરવપ્રદ બાબત છે. સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગના આયોજન અંગે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છના ખેલાડીઓને રમાડવા માટે જ કચ્છ વોરીયર્સ ફ્રેન્ચાઈઝી ખરીદી અને તેમા કચ્છના  9 જેટલા ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો.આગામી સમયમાં રણજીની મેચો ગાંધીધામમાં યોજવાની નેમ હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ ટુર્નામેન્ટને એસીટી ઈન્ફ્રાપોર્ટ દ્વારા પ્રાયોજીત કરવામાં આવી છે.  એસીટીના તુલશી સુજાને  મહિલા ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા માટે આ ટ્રોફીનું દર વર્ષે આયોજન કરવાની નેમ વ્યકત કરી હતી.ટુર્નામેન્ટનો આરંભ આગામી તા. 17-12ના સવારે 8.30 વાગ્યે ઈફકો ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કેડીઆરસીએ ટીમ, સ્પીડ કલબ-ભુજ, દહીસર સ્પોર્ટસ કલબ મુંબઈ અને એન.સી.એ જામનગરની ચાર ટીમ વચ્ચે જંગ ખેલાશે. ફાઈનલ મેચ તા. 19ના ડીપીએસ સ્કુલના મેદાનમાં રમાશે અને એજ દિવસે બપોરે સમાપન કરાશે.  આયોજનમાં કેડીઆરસીએના શરદ શેટ્ટી, રામકરણ તિવારી -ભૈયા, મદન છતાની, અશ્વીની કચ્છાવા, વિજય ગઢવી, લાલ નાવાની, સુરોજીત ચક્રબતી, નિલય દંડ, મુકેશ દુઘૈયા વિગેરે સહયોગી બની રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer