ગાંધીધામ મહેશ્વરીનગર સહિતના વિસ્તારમાં રહેતા શરણાર્થીને સારાં જીવનની આશા જાગી

ગાંધીધામ, તા. 12 : પાકિસ્તાનના જુદા જુદા પ્રાંતમાંથી અહીં આવતા લોકોને અમદાવાદ, રાજકોટ, મોરબી કે સુરેન્દ્રનગરના વિઝા આપવામાં આવતા હોય છે ત્યારે આવા અમુક લોકોએ પોતાને કચ્છના વિઝા પણ મળે અને તેઓ પોતાના કુટુંબ સાથે રહી શકે તેવી માંગ કરી હતી. આ શરણાર્થીઓને નવાં નાગરિકત્વ ધારાથી વ્યાપક રાહત મળવાની આશા જાગી છે. નાપાક રાષ્ટ્રમાં પીડા સહન કરતા મૂળ કચ્છીઓ માદરે વતન આવવા જાણે ઉતાવળા થયા છે.પાકિસ્તાનમાં રહેતા મૂળ કચ્છના લોકો દુ:ખી છે. ત્યાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આક્ષેપ અહીં આવેલા લોકોએ કર્યો હતો. ત્યાં શાળામાં ફરજિયાત અમુક વિષયો રખાવાય છે અને બળજબરીપૂર્વક ધર્મ થોપવાની કોશિષ કરાય છે. ત્યાં અરબી ભાષા ફરજિયાત છે. જો તેવું ન કરો તો આગળ શિક્ષણ જ ન લઇ શકાય. ત્યાંથી દુ:ખી થઇને વર્ષ 2004માં 60થી 70 લોકો અહીં આવીને વસ્યા હતા, જે પૈકી અમુક અમદાવાદના વાડજ, કુબેરનગરમાં તો અમુક રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં વસવાટ?કરે છે. પાડોશી મુલ્કમાંથી અહીં આવતા લોકોને અમદાવાદ, રાજકોટના વિઝા જ અપાય છે પરંતુ મૂળ કચ્છના લોકોને કચ્છના વિઝા અપાય તો તેઓ પોતાના પરિવારજનો સાથે રહી શકે તેવી અપીલ આવા લોકોએ સરકારને કરી હતી. તો ત્યાંથી અહીં આવેલા લોકો પાસે ખાસ કોઇ આધાર-પુરાવા ન હોવાથી અહીંના સરકારી લાભો મળતા નથી ત્યારે ભાડાના મકાનો કરતાં સરકાર તેમને મકાન બનાવી આપે તેવી અરજ તેમણે કરી હતી. અહીંના મહેશ્વરીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારા લોકો પાકિસ્તાનથી અહીં આવ્યા ત્યારે અભ્યાસ પણ કરી શક્યા નથી. જેથી મજૂરી સિવાય છૂટકો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. અહીં રહેતા આ લોકો કોઇ?ડખામાં પડતા નથી જેથી એકપણ વ્યક્તિ વિરુદ્ધ કોઇ ગુનો પોલીસ ચોપડે ચડયો નથી. પાકિસ્તાનમાં પોતાના મકાનો, જમીનો મૂકીને અહીં આવેલા આ લોકોએ પોતાના માટે સરકાર મકાન બનાવી આપે તેવી અપીલ કરી હતી. તો હજુ પણ પાકિસ્તાનમાં મૂળ કચ્છના લોકો દુ:ખી હોવાનું કહ્યું હતું અને આવા દુ:ખી લોકોને પણ અહીં બોલાવી લેવાય તો તેમનું પણ જીવન સુધરી જાય તેમ હોવાનું આ લોકોએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer