કંડલા એસઈઝેડમાં યુઝ્ડ ગારમેન્ટની આયાત અંગે અનિશ્ચિતતા ઊભી કરાતાં ભારે ચકચાર

ગાંધીધામ, તા 12 : ભારતીય કસ્ટમ તંત્રે બહાર પાડેલા એક જાહેરનામા અંતર્ગત જૂના અને વપરાયેલાં પરંતુ પુન: વાપરી શકાય એવાં કપડાં વિદેશથી આયાત નહીં થઈ શકે, માત્ર જૂના અને વપરાયેલાં કપડાંને તદ્દન નકામાં કરી દે તેવા ત્રણ કટ (ચીરા) કરાયેલાં કપડાં જ આયાત થઈ શકશે. આ જોગવાઈ સ્પષ્ટ હોવા છતાંય કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રના પ્રશાસને ગયા મહિને એક ઓફિસ ઓર્ડર બહાર પાડી તેમાં જાહેરનામાની જોગવાઈ ઉપરાંત ત્રણ કટની સાઈઝ 10 ઈંચનો ઉમેરો કરી દીધો હતો. આ ઓફિસ ઓર્ડર અચાનક ગઈકાલે પાછો ખેંચી લેવાતાં હવે જૂના કપડાંની આયાત અંગે અનિશ્ચિતતા ઊભી થઈ ગઈ છે. અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રો આ આખીય બાબતને ભ્રષ્ટાચાર માટેની રમત ગણાવી રહ્યા છે. ઝોનમાં જૂનાં કપડાંનો કારોબાર વર્ષોથી ધમધમી રહ્યો છે. આયાત-નિકાસમાં મળતી છૂટછાટનો ઘણા કિસ્સામાં ગેરઉપયોગ કરીને જૂના અને વપરાયેલાં કપડાંનાં સ્થાને નવાં કપડાં મગાવાયાં હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા પછી કસ્ટમ તંત્રે 36/2000 નંબરનું એક સર્ક્યુલર બહાર પાડીને વાપરી શકાય એવાં જૂનાં કપડાંની આયાત ઉપર જ પ્રતિબંધ મૂકી દીધો હતો. વિશાળ કપડાંની ગાંસડીઓના સ્વરૂપે આવતાં આવાં જૂનાં કપડાંને મરંમત કરીને ભારતીય બજારમાં વેચી મરાતાં હતાં. આથી હવે આવાં જૂનાં કપડાં ત્રણ જગ્યાએથી યોગ્ય રીતે ચીરી નાખેલા જ આયાત થઈ શકે તેવી જોગવાઈ કરાઈ છે. ઝોન પ્રશાસને ગઈ તા. 22/11ના એક ઓફિસ ઓર્ડર બહાર પાડયો હતો. જેમાં 63.09 નંબરની આઈટમ એવાં જૂનાં અને વપરાયેલાં પરંતુ પુન: વાપરી શકાય તેવાં કપડાં ઉપર પ્રતિબંધ અને 63.10 નંબરની આઈટમ તળે આવેલાં પરંતુ ત્રણ 10 ઈંચના કટવાળાં ન વાપરી શકાય એવાં કપડાંની આયાત છૂટની વાત મુકાઈ હતી. 10 ઈંચના કટનો ઉલ્લેખ કસ્ટમના મૂળ સર્ક્યુલરમાં નથી. આથી વપરાશકારો-આયાતકારોમાં હડકંપ મચી ગયો હતો. સંભવત: કોઈ વ્યવહાર પણ થઈ ગયો હશે તેવી શંકા વ્યક્ત કરતાં આ સૂત્રોએ કહ્યું હતું કે અચાનક ગઈકાલે એક બીજો પત્ર ઝોન પ્રશાસને બહાર પાડીને પોતાનો 22/11નો ઓફિસ ઓર્ડર પરત ખેંચતી જાહેરાત કરી  હતી. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊઠે છે કે શું કસ્ટમનું એ સર્ક્યુલર પણ પરત ખેંચાયું કે તેનું અમલીકરણ ચાલુ રહેશે ? ટૂંકમાં આ બનાવથી કપડાં આયાતકારોમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer