બન્ની વિસ્તારનાં 58 ગામોને મહેસૂલી દરજ્જો આપવા માંગ

ભુજ, તા. 12 : બન્ની વિસ્તારના 58 ગામોને મહેસૂલી દરજ્જો અપાવવા બાબતે આગેવાન જુમા ઇશા નોડેએ રાજ્ય સરકાર પાસે તેમજ વિરોધ પક્ષના નેતા પરેશ?ધાનાણી પાસે રજૂઆત કરી હતી. ભુજ તા.ના બન્નીના લયવારા ગામે 1979ની મોરબી હોનારત વખતે દરિયાનું ખારું પાણી સમગ્ર ગામ ઉપર ફરી વળતાં 213 નોડે કુટુંબો ઘરવિહોણા થઇ?ગયા હતા. આ ગામ સફેદ રણને અડીને આવેલું છે. તમામ જમીન રાજ્ય સરકાર મોટા ઉદ્યોગપતિઓને વેચવા માટે પ્રયત્નો કરે છે અને લયવારા ગામના 213 કુટુંબોને તે જમીન ન મળે અને ગામતળ, સીમતળ અને ગૌચર જમીનના હક્કથી વંચિત રાખવા માંગે છે. પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ વેકરિયાના રણમાં લોકોને ખાત્રી આપી હતી કે બન્નીના લોકોને તાત્કાલિક મહેસૂલી દરજ્જો અપાશે પરંતુ અમલ થયો નહીં. બન્ની વિસ્તારના 58 ગામોને મહેસૂલી દરજ્જો આપવા માટે કચ્છ કલેક્ટરે અગ્રસચિવ, મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને દરખાસ્ત મોકલાવી છે જેને આજ દિવસ સુધી મંજૂરી નથી મળી. ઉપરોક્ત વિસ્તારમાં 20 ગ્રા.પં. આવેલી છે અને સમગ્ર વિસ્તાર અનામત જનરલ તરીકે 1955થી જાહેર કરાયો છે છતાં અન્યાય કરાય છે. જેથી આ બાબતે સત્વરે કાર્યવાહી કરાય તેવી માંગ શ્રી નોડેએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer