આજથી દેઢિયામાં સંયમ સુવર્ણ મહોત્સવનો આરંભ

દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 12 : માંડવી-નલિયા માર્ગે દેઢિયા ગામે આવેલા સમેત શિખર સમાન ગુણપાર્શ્વનાથ જૈન તીર્થ અગિયાર દિવસના મહોત્સવનું સાક્ષી બનશે. રાજસ્થાન દીપક અને સાહિત્ય દિવાકરનું બિરુદ મેળવનાર આચાર્ય કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા.ના 67મા જન્મોત્સવની ઉજવણી માટે જૈનાચાર્ય તપચક્રવર્તી અચલગચ્છાધિપતિ આ.ગુણોદયસાગરસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં અને સાધુ-સાધ્વીના સાંનિધ્યમાં તા. 13-12થી તા. 23-12 સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. સંયમ જીવનના પચાસ વર્ષ થતાં નરેડી (તા.અબડાસા) ખાતે સંયમ સુવર્ણ ચાતુર્માસ પરિપૂર્ણ કર્યા બાદ જૈનાચાર્ય કલાપ્રભસાગરસૂરિજી મ.સા.નો 67મો જન્મોત્સવ ઊજવાશે. તા. 13-12ના સવારે 9 કલાકથી પ્રારંભ થનારા સંયમ સુવર્ણ શિખરોદ્યાન જન્મોત્સવમાં તા. 14-12ના સાહિત્ય સમારોહ યોજાશે. ડો. રશ્મિબેન ભેદાના સંયોજન હેઠળ યોજાનારા સમારોહમાં વિદ્વાન વક્તાઓ ડો. અભય દોશી (અચલગચ્છીય ધર્મઘોષસૂરિકૃત ઋષિમંડળ પ્રકરણ), ડો. રમજાન હસણિયા (શ્રી નિત્યલાભ ચોવીસીમાં ભક્તિરસ), ડો. રશ્મિ ભેદા (આચાર્ય કલ્યાણસાગરસૂરિશ્વરજીનું જૈન ધર્મ અને સાહિત્યમાં પ્રદાન), ડો. સીમાબેન રાંભિયા (અચલગચ્છીય શ્રમણોનું સાહિત્યમાં પ્રદાન), ડો. દીક્ષા સાવલા (શ્રી જયશેખરસૂરિકૃત જંબુસ્વામિચરિત્ર), ડો. કોકિલા શાહ (તીર્થમાળાઓમાં અષ્ટોતરી તીર્થ માળાનું મહત્ત્વ), ડો. ઉત્પલા મોદી (આ.  કલાપ્રભસાગરસૂરિજી મ.સા.ના સંયમના પચાસમાં વર્ષે તેઓના જીવનના વિવિધ આયામો), ડો. સીમાબેન ગાલા (અચલગચ્છાધિપતિ આ.ભ. ગુણસાગરસૂરિશ્વરજી જીવન દર્શન) શોધ નિબંધ રજૂ કરશે. આ ઉપરાત વિવધ ધાર્મિક કાર્યક્રમો તથા તા. 23-12ના અઠ્ઠમતપના પારણા યોજાશે. આયોજકો દ્વારા તા. 15-12 રવિવારના સમેતશિખરાવતાર  99 યાત્રાની સંઘમાળા પ્રસંગે સર્વે સંઘપતિઓને પધારવા વિનંતી કરાઈ હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer