160 ગામમાં તળાવ ખાણેત્રાની તૈયારી

કનૈયાલાલ જોશી તરફથી મુંબઈ, તા. 9 : કચ્છમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ડેમ-તળાવના તળ ઊંડા કરવા અને આવમાં સફાઈ કરવાની ઝુંબેશ ઉપાડનાર પાણી બચાવો કચ્છ બચાવો અભિયાને ચળવળને વેગવંતી બનાવવા ગાંધીનગર ખાતે રજૂઆત કરવાનું નક્કી કર્યું છે. આ માટે પ્રતિનિધિ ગાંધીનગર જવાના છે. બીજી તરફ કચ્છના 160 ગામે તળાવના ખાણેત્રાની તૈયારી કરી છે. અભિયાનના કાર્યકર્તા ગાંધીનગર ખાતે સચિવાલયમાં પાણી પુરવઠા સચિવ મહેતા અને અધિક સચિવ (પંચાયત) ડો. ધીમંતકુમાર વ્યાસને મળવાના છે. તળાવ ખાણેત્રા, ડેમની સફાઈ વગેરેમાં સરકારની અને ગ્રામજનોની ભૂમિકા શી રહેશે એ અંગે માર્ગદર્શન મેળવશે. આ માહિતી આપતાં પાણી બચાવો કચ્છ બચાવો અભિયાનના કન્વીનર કિશોર ચંદને જણાવ્યું કે, અમે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ હાથ પર લીધું જેમાં સફળતા મળી છે. એ માટે સોશિયલ મીડિયાનો વિશેષ ઉપયોગ કરીએ છીએ. વોટ્સએપ પર 160 ગામે તળાવ ખાણેત્રાની અને આવ સફાઈ માટે તૈયારી બતાવી છે, જેમાં પાંચોટિયા, કાઠડા, રામાણિયા, રાયણ, જખૌ, કોઠારા, કોટડા-રોહા, નેત્રા વગેરે ગામોનો સમાવેશ થાય છે. અમે અભિયાનના કાર્યકર્તાઓ વહીવટી કાર્યમાં સહયોગ આપશું. તળાવ-ડેમના કામમાં સરકાર 80 ટકા અને ગ્રામજનોએ 20 ટકા રકમ ફાળવવાની છે. ગ્રામજનોના ફાળામાં રકમ ખૂટશે તો અમે દાતા શોધી આપશું. બીજી બાજુ કચ્છના ગોપાલભાઈ પટેલને આ અભિયાનમાં જોડાવવા પ્રયત્નો કરાશે. અભિયાનના બીજા કાર્યકર્તા અને વાશીની એપીએમસી બજારના અગ્રણી વેપારી અરુણ ભીંડેએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક યોજવા પ્રયાસો ચાલુ છે. અહીંથી 10-15 કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર જઈશું. બીજી તરફ કચ્છમાં માહોલ બને એ માટે ધારાસભ્ય-સાંસદ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ ટૂંક સમયમાં બેઠક ગોઠવશું. લોકો જાગૃત બને અને થોડા ગામોમાં તળાવ ખાણેત્રાનું કામ થઈ જાય તો અમારી મહેનત લેખે લાગી ગણાશે. બીજી તરફ કચ્છમાં ગામ તળાવમાં કેટલું કામ છે તેનો સર્વે કરવાનું કામ અમુક ગામોમાં શરૂ કરી દેવાયું છે. કચ્છ જળ સંચય યજ્ઞના બેનર હેઠળ સમિતિ બની છે. જેમનું માર્ગદર્શન મળી રહેશે. સમિતિમાં કિશોર ચંદન, રાજેશભાઈ ગઢવી, કાનજીભાઈ કાપડી, ભરત સંઘવી, મોહનભાઈ લીંબાણી, દિનેશ જોશી, જયેશ સોની, પ્રહલાદભાઈ ભાનુશાલી, દેવજીભાઈ કોલી, પ્રવીણસિંહ સોઢા, સામતભાઈ, રોહિતભાઈ (રાયણ), ખુશાલ સાવલા, ચેતન રાવલ, લક્ષ્મીચંદ ધનજી સંઘાણી, ખેતશી કનૈયાભાઈ ગઢવી, મારૂ ગઢવી, વિક્રમસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer