રણજી ટ્રોફી : હિમાચલ 120માં ડૂલ : સૌરાષ્ટ્રનો પણ ધબડકો

ધર્મશાલા, તા. 9 : સૌરાષ્ટ્રને હિમાચલ પ્રદેશ વચ્ચે આજથી શરૂ થયેલા ચાર દિવસીય રણજી ટ્રોફી મેચમાં પહેલે દિવસે જ બોલરોના સંપૂર્ણ વર્ચસ્વ વચ્ચે બંને ટીમની મળીને કુલ 17 વિકેટ પડી હતી. પ્રથમ દાવ લેનાર હિમાચલ પ્રદેશની ટીમ 42.3 ઓવરમાં 120 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં પ્રશાંત ચોપરાના 33 અને સુમિત વર્માના 22 રન મુખ્ય હતા. સૌરાષ્ટ્ર તરફથી સુકાની જયદેવ ઉનડકટ, પ્રેરક માંકડ અને ચિરાગ જાનીએ 3-3 વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્રનો પણ બેટીંગમાં ધબડકો થયો હતો અને પ્રથમ દિવસની રમતના અંતે 28 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 97 રન કર્યા હતા. એકમાત્ર સ્નેલ પટેલ 42 રન કરીને અણનમ રહ્યો હતો. ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પૂજારા માત્ર 2 રને બોલ્ડ થયો હતો. હિમાચલ પ્રદેશ તરફથી વૈભવ અરોરા અને પંકજ જયસ્વાલે 3-3 વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્રની ટીમ હિમાચલના 120 રનના સ્કોરથી હજુ 27 રન પાછળ છે અને 3 વિકેટ હાથમાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer