પાક. ટીમની બર્બાદીનો તમાશો જોવા નથી માગતો : મિસબાહ

કરાચી, તા. 9 : પાકિસ્તાનની ટીમના હેડ કોચ અને ચીફ સિલેકટર મિસબાહ ઉલ હકે ટીકાકારોને જવાબ આપતા કહ્યું છે કે તેની પાસે ટીમની તકદીર રાતો-રાત બદલી નાંખવા માટે કોઇ જાદુઇ છડી નથી. આ સાથે તેણે એમ પણ જણાવ્યું કે તે જો થોડા સમયમાં પરિણામ આપી શકશે નહીં, તો પદ છોડી દેશે. કોચ કમ સિલેકટર મિસબાહે ગઇકાલે શ્રીલંકા વિરૂધ્ધની ટેસ્ટ ટીમની જાહેરાત કરતી વખતે આ વાત કરી હતી. ઓસ્ટ્રેલિયામાં ટીમના ખરાબ પ્રદર્શન પર હેડ કોચ મિસબાહને અનેક સવાલ થયા હતા. જેના પર તેણે કહ્યું કે ખેલાડીઓની સતત ટીકા કરવી વ્યાજબી નથી. તેમને સારું પ્રદર્શન કરવા માટે થોડો સમય આપવો પડશે. આ પ્રક્રિયાનો આપણે સામનો કરવો જ રહ્યો. હું અહીં બેસીને પાક. ટીમની બર્બાદીનો તમાશો જોવા નથી માંગતો. કોઇને પસંદ હોય કે નહીં, હું મારી તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની કોશિશ કરીશ. પાક. ટીમ જો સારું પ્રદર્શન નહીં કરી શકે તો હું કોચપદ છોડી દઇશ.મારા ઇરાદા નેક છે. ટીમને નવી ઉંચાઇ પર લઇ જવી છે. મારો વન મેન શો પર ભરોસો નથી. હું બધાનો સાથ લઇને કામ કરું છું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer