આતંકી હુમલાના 10 વરસે શ્રીલંકા ટેસ્ટ રમવા પાક પહોંચી

રાવલપિંડી, તા. 9 : પાકિસ્તાનમાં વર્ષ 2009માં થયેલા આતંકવાદી હુમલા બાદ પહેલીવાર ટેસ્ટ શ્રેણી રમવા શ્રીલંકાની ક્રિકેટ ટીમ આજે ઇસ્લામાબાદ પહોંચી છે. પીસીબીના મુખ્ય સચિવ વસીમ ખાને કહ્યું છે કે શ્રીલંકાની ટીમનું આગમન ઐતિહાસિક મોકો છે. અમને ખુશી છે કે અમે બે મેચની ટેસ્ટ સિરિઝનું યજમાનપદ સંભાળી રહ્યા છીએ. પાકિસ્તાન અને પ્રવાસી શ્રીલંકાની ટીમ વચ્ચેનો પહેલો ટેસ્ટ બુધવારથી રાવલપિંડીમાં શરૂ થશે. બીજો ટેસ્ટ કરાચીમાં 19 ડિસેમ્બરથી રમાશે. પાકિસ્તાનમાં છેલ્લે 2009માં શ્રીલંકાની ટીમ જ ટેસ્ટ મેચ રમી હતી. ત્યારે લાહોરમાં લંકાની ટીમ પર આતંકી હુમલો થયો હતો. એ પછી પાક.માં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતું બંધ થઇ ગયું હતું. આ પછી પાક. ટીમ તેના મેચ યૂએઇમાં રમે છે. 2009ના આતંકી હુમલા વખતે આઠ લોકોના મૃત્યુ થયા હતા અને ઘણા શ્રીલંકાના ક્રિકેટરોને ઇજા થઇ હતી. થોડા સમય પહેલા પાકિસ્તાનમાં ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટી-20 શ્રેણી રમવા આવી હતી. ટેસ્ટ મેચ રમવા કોઇ ટીમ પાછલા 10 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાન પહોંચી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer