ચેરિયાં નિકંદન મામલે આજે ઉચ્ચસ્તરીય સમિતિ કચ્છમાં

ચેરિયાં નિકંદન મામલે આજે ઉચ્ચસ્તરીય સમિતિ કચ્છમાં
ભુજ, તા. 9 : ભચાઉ તાલુકાનાં વોંધ આસપાસના ક્રીક વિસ્તારમાં દીન દયાલ પોર્ટ હસ્તક દરિયાઇ વિસ્તારમાં નમક પકાવવાના બહાને ચેરિયાંનું નિકંદન નીકળતું હોવાથી કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ચલાવાતી લડતને આંશિક સફળતા મળી પરંતુ હવે ગેરકાયદે મીઠું પકાવાતું હોવાની ફરિયાદને પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી કાલે ઉચ્ચસ્તરીય સમિતિ આવી રહી છે. ઊંટ ઉછેરક સંગઠનના હોદેદારોના જણાવ્યા પ્રમાણે નાની-મોટી બેડી, હડાકિયા, ક્રીક સહિતના 10 કિલોમીટરના વિસ્તારમાંથી ઊંટને ચરિયાણ મળી રહે છે. મોટી માત્રામાં  ઊગી નીકળેલા ચેરિયા એ ઊંટનું ખોરાક છે. ખારાઇ ઊંટની સંખ્યા અત્યારે 700ની આસપાસ છે પરંતુ દુકાળના દિવસોમા વિસ્તારમાં ખોરાકની શોધમાં હજારો ઊંટ આવતા હોય છે પરંતુ આ વિસ્તારમાં અપાયેલા મીઠાના પ્લોટની લીઝ રદ કરવાનો એક વખત આદેશ અપાયા પછી હવે આડેધડ ગેરકાયદે મીઠું પકવવામાં આવે છે. મીઠું પકવવાના નામે ક્રીક વિસ્તારમાં મોટા-મોટા પાળા બાંધી ક્રીકના પાણીને બંધ કરી દેવામાં આવે છે જેથી ચેરિયા સુકાઇ જાય આ એક મોટી સાજીશ છે. દીન દયાળ પોર્ટ હસ્તકનો આ વિસ્તાર છે. પોર્ટને જાણે કોઇ રસ નથી. વળી જંગલખાતા સમક્ષ વારંવાર રજૂઆત કરીએ છીએ તો વન તંત્રની હદ નથી એટલે જોઇએ તેટલો રસ દાખવવામાં આવતો નથી તેવો આક્ષેપ સંગઠનના હોદેદારોએ કર્યો હતો. બીજી બાજુ ભચાઉ તાલુકાનાં જંગીના ભીખાભાઇ રબારી મારફતે કચ્છ ઊંટ ઉછેરક સંગઠને કરેલી અસલ અરજીમાં એવો આરોપ મૂકયો છે કે, દીન દયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી) દ્વારા ભચાઉ તાલુકાના નાની ચીરઇ અને મોટી ચીરઇમાં ચેરિયાનું નિકંદન કાઢીને કાંઠાળ ક્ષેત્ર નિયમનનાં 2018નાં જાહેરનામાં તેમજ 1980ના વન સંરક્ષણ કાયદાનો ભંગ કરાયો છે. આ વિસ્તારો સ્થાનિકે નાની બેટી, હડકિયા ખાડી, ભોજવારી ખાડી, હેમાતવારો તરીકે ઓળખાય છે. જે ચેરિયા પર જ નભતા ખારાઇ ઊંટોની વસાહત છે. ડીપીટીએ મંજૂરી લીધા વિના ચેરિયા કાપી નાખ્યા છે અને ગુજરાત રાજ્યનાં કાંઠાળ ક્ષેત્ર વ્યવસ્થાપન સત્તા મંડળ તેમજ વન વિભાગને જાણકારી હોવા છતાં ચેરિયાનો સોથ વાળવાની પ્રવૃત્તિ સામે કોઇ નક્કર પગલાં લીધા નથી તેવો આક્ષેપ પણ આ અરજીમાં કરાયો છે. જેના પગલે એન.જી.ટી.ની અગ્રપીઠનન આક્ષેપ અનુસાર ચેરિયાનું નિકંદન થતું હોઇ કાયદાનું ઉલ્લંધન થતું હોય તો સ્થળ નિરીક્ષણ કરીને તાત્કાલિક પગલાં લેવામાં આવે. ગ્રીન ટ્રિબ્યુનલના આદેશના પગલે ઉચ્ચ અધિકારીઓ ટી.પી. સિંઘ, એચ.બી. ચૌહાણ, મનન શુક્લની આગેવાની હેઠળની ટુકડી સ્થળ નિરીક્ષણ કરવા કાલે ભચાઉના એ ક્રીક વિસ્તારમાં જશે. ટીમ આવવાની છે એ મુદે્ વનતંત્રના ડી.એફ.ઓ. શ્રી વિહોલનો સંપર્ક સાધતાં તેમણે સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે બનાવેલી આ ટીમ છે. નુકસાની કેટલી થઇ છે એ નીહાળશે. જો કે આ ટીમ આવે છે પરંતુ ફરિયાદી માલધારી ઉછેરક સંગઠનને આ સમયે બાકાત રાખવામાં આવતાં નારાજગી વ્યક્ત થઇ છે. ખરેખર કેટલું નુકસાન થાય છે, કયાં ચેરિયાંનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ વિશેની વિગતો સંગઠન પાસે છે છતાં મુલાકાત સમયે સંગઠનને સાથે રાખવામાં નહીં આવતાં તર્ક-વિતર્ક સર્જાયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer