હડતાળથી કચ્છની મહેસૂલી કામગીરી ખોરવાઈ

હડતાળથી કચ્છની મહેસૂલી કામગીરી ખોરવાઈ
ભુજ, તા. 9 : સમગ્ર રાજ્યના મહેસૂલી કર્મચારીઓએ સરકાર સમક્ષ રજૂ કરેલી 11 જેટલી માગણીઓનો લાંબા સમયની રજૂઆત, પરામર્શ બાદ કોઈ હકારાત્મક નિકાલ સરકાર દ્વારા કરવામાં નહીં આવતાં રાજ્યની સાથે આજે કચ્છમાં પણ મહેસૂલી કામગીરી ઠપ પડી ગઈ હતી. જિલ્લાના 235 નાયબ મામલતદાર અને ક્લાર્ક હડતાળમાં જોડાયા હતા. તો જિલ્લા પ્રસાશને 134 રેવન્યૂ તલાટીને કામચલાઉ કામગીરીમાં જોડયા હતા. કચ્છના મહેસૂલી કર્મચારી મંડળ કહે છે કે, અમારા રાજ્ય મહામંડળે સરકારને અગાઉથી જ પ્રશ્નો રજૂ કર્યા છે અને હડતાળ પહેલાં પણ આવેદન પત્ર અપાયું હતું કે, હવે જો માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલનાત્મક પગલાં ભરવામાં આવશે. કચ્છના મંડળના પ્રમુખ પીરદાનસિંહ સોઢાના જણાવ્યા પ્રમાણે મહામંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયને પગલે આજથી કચ્છના મહેસૂલી કર્મચારીઓ હડતાળમાં જોડાશે તેવું કલેક્ટરને આવેદન પત્ર આપી ભુજ ખાતેની કલેક્ટર કચેરી બહાર છાવણીમાં કર્મચારીઓ બેસી ગયા હતા, એમ તમામ તાલુકા કક્ષાએ પણ હડતાળ પાડવામાં આવી હતી. રેવન્યૂ તલાટી સંવર્ગને મહેસૂલ વિભાગમાંથી રદ્દ કરી પંચાયત મંત્રી કેડરમાં મર્જ કરવા, પ્રમોશન આપવા, નાયબ મામલતદારની મામલતદાર માટેની   નિનિયોરિટી યાદી બનાવવા, જિલ્લા ફેરબદલીના કેમ્પ કરવા, ખાલી જગ્યાઓ ભરવા, સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કર્મચારીઓની માગણીને સરકારે વાચા નહીં આપતાં આજથી અચોક્કસ મુદતની હડતાળ પાડી ધરણા યોજવામાં આવ્યા હોવાનું શ્રી સોઢાએ જણાવ્યું હતું. જ્યાં સુધી મહામંડળનો આદેશ ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી હતી. આજના આ ધરણા કાર્યક્રમમાં પ્રમુખની સાથે ના. મામલતદારો એમ.સી. પાલ, અનિલ પરમાર, મહેશ કતિરા, એન.પી. પ્રજાપતિ, ભરત કંદોઈ, કાપડીભાઈ, હરેશ વાળા, યશોધર જોષી, એચ.એસ. હુંબલ, કૈલાસ ગોસ્વામી, શિવજીભાઈ પાયણ વગેરે જોડાયા હતા. બીજી બાજુ મહેસૂલી કામગીરી સમગ્ર જિલ્લામાં ઠપ પડી જતાં અરજદારો પોતાના કામો માટે આવ્યા હતા તે કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીમાંથી પરત ફર્યા હતા. વૈકલ્પિક વ્યવસ્થા અંગે અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે અમે 134 રેવન્યૂ તલાટીઓને કામચલાઉ વ્યવસ્થામાં રોક્યા હતા. કોઈ અરજદારને મુશ્કેલી ન થાય તેવું આયોજન ગોઠવાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer