આરોગ્યકર્મીઓએ વિશાળ રેલી કાઢી દેખાવ કર્યા

આરોગ્યકર્મીઓએ વિશાળ રેલી કાઢી દેખાવ કર્યા
ભુજ, તા. 9 : આજે ભુજમાં કચ્છ જિલ્લા આરોગ્ય મહામંડળે પડતર માગણીઓ સરકારે ન સ્વીકારતાં હડતાળના 12મા દિવસે રેલી અને સભા યોજ્યા હતા, જેમાં 600થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો, તેને પગલે ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓને મુશ્કેલી પડી હોવાનો દાવો કર્યો હતો. બીજી બાજુ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે, કાયમી છે તેવા એફએચડબલ્યૂ અને સુપરવાઈઝર, એમપીએચડબલ્યૂ અને સુપરવાઈઝર, ફાર્માસિસ્ટ તથા લેબ ટેક્નિશિયન 817 જણે સીએલ મૂકી છે. તેમનું કામ ફિલ્ડનું છે ત્યાં કરાર આધારિત 27 સ્ટાફ નર્સ સહિતના 101 કર્મચારી મારફતે કામગીરી ચાલુ રખાઈ છે. હડતાળના બારમા દિવસે 600થી વધુ આરોગ્ય કર્મચારીઓએ ભુજમાં જિલ્લા પંચાયતથી રેલી યોજી હતી જે ઉમેદભવન થઈ વિરામ હોટેલના મેદાને પહોંચી હતી. બેનરો સાથે રેલીમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓએ તેમની માંગના સમર્થનમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિશાળ રેલીને કારણે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. શાંત રીતે રેલી પૂર્ણ થયા બાદ સભામાં ફેરવાઈ હતી, જ્યાં કચ્છ જિલ્લા આરોગ્ય મહામંડળના પ્રમુખ હરિભાઈ જાટિયા, ઉપપ્રમુખ ક્રિષ્નાબા જાડેજા, કેતન ચૌહાણ, મહામંત્રી મૂળુભા જાડેજા, કન્વીનર ચેતન ભટ્ટ, ખજાનચી પ્રકાશ દુર્ગાણી, નિલાક્ષીબેન ધનાણી, સુલેમાન પિંજારા, ભરત ડોડિયા, પ્રવીણ કેરાસિયાએ સભાને સંબોધનમાં જણાવ્યું કે, તા. 17ના ગાંધીનગરમાં કમિશનર કચેરીને ઘેરાવ કરાશે. માંગ નહીં સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ કરાશે. આભારવિધિ સંગઠન મંત્રી જયેશ ભાનુશાલીએ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer