ભુજ સભામાં હજારો પટેલોએ સંગઠનનો `કરંટ'' બતાવ્યો

ભુજ સભામાં હજારો પટેલોએ સંગઠનનો `કરંટ'' બતાવ્યો
ભુજ, તા. 9 : કચ્છી લેવા પટેલ સમાજ-ભુજ દ્વારા છેલ્લા બે વર્ષમાં આણેલા ગામેગામ સંગઠનને સક્રિય રાખવાની નીતિ રંગ લાવી હોય તેમ ચોવીસીના કાર્યકરોએ સમાજનો સેવા સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવામાં સફળતા મેળવી હતી. પ્રથમ કોઠો પાર કર્યો હોય તેમ કે. કે. પટેલ સુપર સ્પે. હોસ્પિ.ના ખાતમુહૂર્ત બાદ જાહેરસભામાં 18 હજાર જેટલા જ્ઞાતિજનો હાજર રહી જુદા-જુદા વર્તુળોમાં ચમકારો ફેલાવી દીધો હતો. સામાજિક સ્તરે વિશાળ સભાની નોંધ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ લેવી પડી હતી. તે સાથે જિલ્લાના વિવિધ સ્તરના રાજકીય સંગઠનોમાં પણ ગણગણાટ શરૂ થયો હોવાનું જાણવા મળ્યું હતું. કચ્છી લેવા પટેલ સમાજ-ભુજે છેલ્લા વર્ષોમાં સ્વતંત્ર રાજકીય સમિતિ બનાવી જ્ઞાતિજનોની આકાંક્ષા પ્રમાણે કર્યું હતું અને સમાજમાં ચૂંટણી લડનાર રાજકીય વ્યક્તિ સીધો સક્રિય રીતે કારોબારીમાં ઉમેદવારી ન નોંધાવે તેવો સિદ્ધાંત અપનાવી ઉચ્ચ સમજદારીના દર્શન કરાવ્યા હતા. તે પછી મહિલા સમિતિની રચના, ગામેગામમાં સંગઠન સમિતિ અને જાગૃતિ સમિતિઓ બનાવી ઝોનવાર વ્યવસ્થિત કાર્ય આરંભ્યું હતું. છેલ્લા બે માસમાં યુવક સંઘના સંગઠનમાં અનુભવી યુવાનોએ પરિવર્તક વિષયો મૂકવાનું આરંભ્યું હતું. તમામ સમિતિઓ મળી કુલ્લ 800થી 900 યુવા-યુવતીઓ, વડીલોનું ચાલકબળ સમાજને પ્રાપ્ત થયું હતું. તેનાં પરિણામ રવિવારની સભામાં દેખાયાં હતાં. એકબાજુ સ્વતંત્ર રાજકીય સમિતિમાં દરેક પક્ષના કાર્યકરોએ એકસાથે શીર્ષ રાજકીય નેતૃત્વને આવકાર્યા હતા અને સમાજે હજારોની હાજરી વચ્ચે આ કાર્યકરોને યોગ્ય સ્થાન આપવા ઉપરાણું લીધું હતું. સમાજના મોભીઓ સાથે રાજ્યના શીર્ષ નેતૃત્વે સંપર્ક અને હજારોની મેદનીએ આવનારા સમયમાં ઇચ્છાશક્તિના દર્શન કરાવ્યા હતા. `એક દિવસ સમાજ માટે'ની અપીલ સમાજે સ્વીકારી હતી. હવે લેવા પટેલ રાજકીય આગેવાનો કેટલા એક રહે છે તેના પર આગામી પગલાંનો આધાર રહેશે તેવું જાણકારો ચર્ચી રહ્યા છે. બીજીબાજુ કચ્છના દરેક સમાજોને આમંત્રણ આપી કચ્છી લેવા પટેલોએ સમરસતાના દર્શન કરાવ્યા તે વાતની પણ નાયબ મુખ્યમંત્રીએ નોંધ લીધી હતી. સેવાના આ ઇશ્વરીય કાર્યનો લાભ દરેક સમાજ લઇ રહ્યો છે. દર વર્ષે ત્રણ લાખ દર્દીઓ લાભાર્થી છે. તેમાં પટેલો માંડ સાત ટકા જ છે. નવી હોસ્પિટલના ખાતમુહૂર્તમાં વધુ 24.39 કરોડના મહાદાન નોંધાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં આવકાર અને દાતાઓનો પરિચય એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના મંત્રી કેશરાભાઇ પિંડોરિયાએ આપ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer