ભુજ-ગાંધીનગર વચ્ચે અડધો કલાકમાં એસ.ટી.ની બે બસ

ભુજ, તા. 8 : એસ.ટી તંત્ર દ્વારા જિલ્લા મથક ભુજને રાજ્યના પાટનગર ગાંધીનગર સાથે જોડવા માટે રાત્રિના માત્ર અડધા કલાકના ગાળામાં એ.સી સ્લીપર અને સાદી સ્લીપર બસ દોડાવાતી હોવાના લીધે છેવટે તો ખાનગી બસસેવાના વધતા ચલણ વચ્ચે નુકસાની સહન કરવાનો વારો એસ.ટી. તંત્રને આવી રહ્યો છે. અગાઉ એસ.ટી.ની માત્ર એક સાદી સ્લીપર બસ રાત્રિના 10 વાગ્યે દોડાવાતી હતી જેને ટ્રાફિક પણ સારો મળતો હતો. તેવામાં એસ.ટી. તંત્રે એકાએક આ બસને સાદીમાંથી એ.સી સ્લીપરમાં ફેરવી નાખી હતી. આ કારણે બસના ભાડામાં લગભગ બમણો વધારો થઈ જવા પામ્યો હતો. તો એસ.ટી. તંત્રે પોતાની જ એ.સી. સેવા સામે સ્પર્ધા કરી હોય તેમ માંડવીથી ગાંધીનગરને જોડતી સાદી સ્લીપર બસ શરૂ કરી હતી. આ બસ ભુજથી રાત્રે સાડા નવ વાગ્યે ઉપડે છે. ત્યારે મોંઘા ભાડાથી બચવા માટે મોટા ભાગના મુસાફરો એ.સી.ના બદલે સાદી સ્લીપરમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ખરેખર તો એસ.ટી. તંત્ર દ્વારા એ.સી. બસસેવાનું ભાડું ઘટાડવા સાથે જો સાદી સ્લીપર બસ સેવાના સમયમાં થોડો ફેરફાર કરાય તો છેવટે ફાયદો તો એસ.ટી. તંત્રની તિજોરીને થશે તેવું મુસાફર આલમમાં ચર્ચાઈ રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer