રોજના 300 રૂપિયા કમાવવા 40 કિમીનો પંથ કાપવાનો

રોજના 300 રૂપિયા કમાવવા 40 કિમીનો પંથ કાપવાનો
આપણું ધ્યાન એ તરફ ભાગ્યે જ જાય છે પરંતુ એ હકીકત છે કે, આપણી એક દુનિયા છે જેની આજુબાજુ બિલકુલ જુદી જ એક બીજી દુનિયા છે. આપણે એટલે કહેવાતો મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ અને થોડા એક ધનિકો. આપણે કાં તો હંમેશ સ્પર્ધા અને સરખામણીમાં જીવીએ છીએ અને કાં તો બિલકુલ બેપરવાહીથી. હંમેશાં આપણે એવું થયા જ કરે છે કે, આપણું જીવન અધૂરું છે, અભાવથી ભર્યું છે. બીજી વ્યક્તિ માન, પ્રતિષ્ઠા, પદ કે ધનથી આપણને આપણાથી ચડિયાતી લાગે છે એનાથી સ્વાભાવિક રીતે મનમાં જલન પણ થાય છે કે, `મારી સાથે જ આવું કેમ ? કે મારું જીવન એના જેવું કયારે બનશે ?' એટલે જ આપણી દુનિયાની અનિવાર્ય જરૂરિયાતો પૂરી કરતી એક બીજી દુનિયા જે આપણી સાથે ઓતપ્રોત છે. તેના તરફ આપણી દૃષ્ટિએ નથી જતી. એ દુનિયા એટલે આપણી સાથે ઓતપ્રોત શ્રમજીવીઓ જેમ કે આપણા ઘરની કચરા-પોતાવાળી બાઈ, આપણો દૂધવાળો, આપણને શાકભાજી પહોંચાડતો લારીવાળો. પ્લમ્બર, ઈલેકટ્રીશિયન, આપણા રસ્તા સાફ કરતો સફાઈ કર્મચારી, બજારમાં મજૂરી કરી દોડાદોડી કરતો મજૂર કે રસ્તાની બાજુમાં નાનકડી લારી ગોઠવી ચા પીવડાવતો કે નાસ્તા વેચતો શ્રમજીવી. આપણા રોજિંદા જીવન સાથે આવા કેટકેટલા શ્રમજીવીઓ જોડાયેલા છે. જેના તરફ આપણી નજરે નથી જતી, ચાલો ! એક આછું ડોકિયું કરીએ એ શ્રમજીવીઓના આંતરિક વિશ્વમાં અને આખા દિવસ પર. ચાલો ! આજ સાંભળીએ કિશન ગોવિંદ ચાંગળિયા (દેવીપૂજક)ની કહાની એની જુબાની. કિશન કહે છે : ભાઈ ! મારું નામ કિશન ગોવિંદ ચાંગળિયા, અમે દેવીપૂજક કહેવાઈએ. અત્યારે મારી ઉંમર 23 વર્ષની છે. છેક 9-10 વરસનો હતો ત્યારથી હાથલારી ફેરવું છું. પહેલા નાનકડો હતો એટલે હાથલારીની નીચે નજર કરી રસ્તો જોઈને કાપતો આજે ઉપર જોઈને ચાલું છું. પ્રશ્ન : રહેવાનું કયાં કિશન ? કિશન : પાલારા. રામેશ્વરનગર. લગભગ 50 કુટુંબો ત્યાં વસવાટ કરીએ છીએ. પહેલાં અમે માધાપર રહેતા હતા. પાકા ઘરમાં પણ નવો રસ્તો બન્યો ને ઘર તૂટયું. ત્યાંથી ભાડે રહેવા શિવનગરમાં ગયા, પણ મહિને ભાડું 7000 ! અમને કેમ પોષાય ? ત્યાં બે મહિના રહી પાલારા ગયા. જેવું-તેવું પાકું ઘર બાંધ્યું, ત્યાં લશ્કરે જમીન લીધી ને એ ઘર ધસાયું. પછી આર્મીના સાહેબે જ્યાં જમીન બતાવી ત્યાં વસ્યા. અત્યારે ખોખાના પાટિયાનું ઘર બનાવી રહીએ છીએ. ઉપર પતરા. વરસાદમાં પાણી ઘરમાં ઘૂસી આવે ત્યારે ખાટલા પર બેસીએ દિવસ-રાત. ઉનાળામાં પતરા ખૂબ તપે અને તિરાડોમાંથી લૂ આવે એટલે ખૂબ ગરમી થાય અને શિયાળામાં પતરા ઠરે ને તિરાડોમાંથી ઠંડી દાખલ થાય એટલે ધ્રૂજીએ. (આપણે ભગવાને કેટકેટલું આપ્યું છે ! છતાંયે કચવાટમાં અને દુ:ખી.) પ્રશ્ન : આખો દિવસ શું-શું કર ? કિશન : ભાઈ, સવારે 3-30નું એલાર્મ રાખ્યું છે, ત્યારે ઊઠું, બ્રશ કરી ચા પી 15થી 20 કિ.મી. દૂર જૂની લ્યૂના ચલાવી શિવનગર પહોંચું, ત્યાંથી હાથલારી લઉં અને 7 કિ.મી. ચાલી માર્કેટ યાર્ડ આવું, ત્યાં હાથલારી શાકભાજી ને ફ્રૂટથી ભરું. પ્રશ્ન : માલમાં શું-શું લે ? કિશન : અડસટ્ટે બટેટા 15 કિલો. શાકભાજી દરેક 2 કિલો જેવા, મોંઘા હોય તે દોઢ કિલો, ફ્રૂટમાં 10થી 12 કિલો મોસંબી. 7 કિલો સંતરા, 12થી 13 કિલો એપલ. કેળા 10 કિલો. આમ જે-જે ફ્રૂટ મળતા હોય તે લઉં. તે માટે રૂા. 3થી 4 હજાર રોકડા ચૂકવવા પડે. એકાદ દોઢ હજાર ઉધાર રાખે રોજના પાંચ હજારની જોગવાઈ કરવી પડે. પ્રશ્ન : પછી કયાં-કયાં ફેરી કર ? શું કમાય ? કિશન : ફેરી... હું ગાયત્રી મંદિર-સંસ્કારનગર-કૈલાસનગર-રઘુવંશીનગર, જૂની રાવલવાડી મારો એરિયા. સવારે 9 વાગ્યાથી બપોરે ર વાગ્યા સુધી ફેરી કરું. આમાંથી કોથમરી મફત દઉં એના 100 રૂા. અને મારો ખર્ચ 100 રૂા., 200 રૂા. ખર્ચ થાય. લગભગ 500 કમાઉં એમાંથી 200 ખર્ચ બાદ કરતાં 300 હાથમાં આવે. 200 રૂા. મારો નાનો ભાઈ હાથલારીમાં કમાય એમ 500 રૂા. કમાવી લઈએઁ. પ્રશ્ન : ધંધામાં તકલીફ શું ? ઘરે કયારે પહોંચ ? બા, બાપુજી શું કરે ? કિશન : ભાઈ, તકલીફમાં તો એવું છે ને કે, હું માલ રોકડેથી લઉં ને લેનારા ઉધારી રખાવે. આમાં મને લોકોની દાનત સારી લાગે એટલે ઉધાર દઉં પણ?લોકો ઉધારી ડૂબાડે. આપણે રહ્યા તૂટેલા માણસ ! એટલે લોકો ઉધારી ડૂબાડે તો ઘરના ડૂબે ને કરેલી બચત જાય આમાં જિંદગી ચાલ્યા કરે. હવે એકબાજુ લોકો ઉધારી લંબાવે, ઉધારી ડૂબાવે ને બીજીબાજુ માલ મોંઘો મળે. આમ બે છેડા ભેગા ન થાય. મારી મા ઘરકામ કરે. બાપાની તબિયત ખરાબ. એ પતરામાંથી ડબ્બા બનાવે. દિવસના 100થી 150 કમાય પણ એક દિવસ કામમાં જાય ને 5-6 દિવસ ઘરે બેસે એવી તબિયત છે ! હું બપોરે ફેરી કરી સાડા ત્રણ-ચાર વાગ્યે ઘરે પહોચું ને ત્યારે જમું. બપોરે શાક-રોટલી ને સાંજે ખીચડી જમીએ. રાત્રે 10 વાગ્યે સૂઈ જાવું સવારે ત્રણ વાગે ઊઠવા માટે ! પ્રશ્ન : કિશન કેટલુંક ચાલવાનું થાય? કિશન :?જુઓને, સવારના સાત કિ.મી. ચાલું. પછી 25થી 30 કિ.મી.ની ફેરી થાય ને ઠાલી ગાડી રાખવા બીજા પાંચ કિ.મી. આમ પાંત્રીસથી ચાલીસ કિ. મી. રોજના થાય ભલા ! (300 રૂા. રોજના કમાવવા માટે ચાલીસ કિલોમીટરનો પંથ ! વિચારવા જેવું. આપણે શનિ-રવિ આઉટિંગમાં નાસ્તામાં હજાર-પંદરસો આરામથી ખર્ચીએ.) રાત્રે 9.30થી 10 વાગ્યે સૂઈ જાઉં. બીજો આરામનો સમય અમને કયાંથી મળે ? પ્રશ્ન : કિશન, કાંઈ ભણ્યો છો ? કિશન : ભાઈ, ભણવામાં હું ઘણો હોશિયાર હતો. કલાસમાં પહેલે નંબરે આવતો, પણ ભણવાનું છોડવું પડયું. આ માટે મારા શિક્ષકે મને તમાચોય માર્યો ! પણ શું કરું ??લાચાર હતો. જો કમાવવાનું શરૂ?ન કરું તો ઘરના સાત જણને ભૂખ્યા રહેવું પડે તેમ હતું. બાપાની તબિયત તો નરમગરમ. પાંચ ધોરણ ભણી ભણવાનું છોડયું, ભણવામાં ખર્ચ વધારે. પ્રશ્ન : કિશન, માંદા - સાજા થાવ તો શું કરો ? કિશન :?ભાઈ, અમને ડોકટરના ખર્ચા ન પોષાય. તમારા જેવા કોઈને કે દવાના દુકાનવાળાને પૂછી ગોળી લઈએ ને ખાઈએ. બીજું અમે ભગવાન પર શ્રદ્ધા રાખીએ કે એ સાચા માણસને જરૂર સાથ આપે છે. અમારા માતાજી દયાળુ છે. મુસીબતમાં સહાય કરે. કાંઈપણ તકલીફ પડે તો ભગવાનને- માતાજીને પ્રાર્થના કરીએ. સવાર-સાંજ અગરબત્તી કરીએ ને કામે જાઈએ ત્યારે માથું નમાવીએ. પ્રશ્ન : કિશન, ઘરે શું ગેસ છે ? હમણા તો સરકાર ગરીબોને ફ્રી ગેસ આપે છે. કિશન : ભાઈ, એવું છે ને કે ગેસ અને સિલિન્ડર એક વખત મફત મળે પણ પછી અમને સિલિન્ડર ન પોષાય એટલે લાકડાં વીણીને જે મફત હોય એના પર રસોઈ બનાવી લઈએ ને લાઈટ માટે લાલટેન ને ઘાસલેટ વાપરીએ અમારા સુધી કોઈ સરકારી યોજના નથી પહોંચતી. (હવે સમજાયું ગરીબો ગેસ કેમ નથી વાપરતા !) પ્રશ્ન : કિશન, હમણા મોંઘવારી ખૂબ વધી છે, ટાઈમ ખરાબ આવ્યો છે ત્યારે શું વિચાર આવે ? કિશન : અમારો તો ભરોસો માતાજી ને ભગવાન પર. એ સાચા માણસને ભૂખ્યા ન સુવાડે. બીજું જેની પોતાની હાલત ખરાબ થઈ હોય એ બીજાની જિંદગી કયારેય ખરાબ ન કરે. અમારા મા-બાપ હંમેશાં કહે છે કે, જમ્યા પહેલાં આજુબાજુ જોવું આપણે પડોશી ભૂખ્યા નથી ને ? એ ધ્યાન રાખીએ ને જીવીએ. જિંદગી માતાજીની-ભગવાનની દયાથી ચાલે છે. બાકી હવે ભરોસો માત્ર ભગવાન પર છે. માણસો પર ભરોસો રહેતો નથી. નવરાત્રિમાં રાતે જમું એટલે દિવસે ભૂખ્યા પેટે ગાડી ન ચાલે એટલે નવ દિવસ ધંધો ન કરું. નવ વર્ષથી પગે ચાલીને માતાજીનાં દર્શને માતાના મઢ જાઉં એનાથી સારું લાગે. મેં કહ્યું : `આવજે કિશન ! માતાજી તારી રક્ષા કરે ને તને સુખી રાખે.' એ ગયા બાદ મન વિચારે ચડયું. પૂ. સંપૂર્ણાનંદ બાપુના શબ્દો સાચા કે, `આ આખી દુનિયા તો ભાઈ ! દુ:ખાયલ છે. અહીં સુખ-સાચું કયાયે નથી.' પણ સાથે આ મુલાકાતથી સંવેદનાનું ઝરણ જે સુકાતું હતું તેમાં નવાં નીર ઉમેરાયાં ને આ જીવન ઝરણું ગાતું-હસતું વહેવા લાગ્યું !

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer