કોંગ્રેસને પાયાના સ્તરે મજબૂત કરવા હાકલ

કોંગ્રેસને પાયાના સ્તરે મજબૂત કરવા હાકલ
ભુજ, તા. 9 : આગામી સમયમાં કચ્છમાં કોંગ્રેસ પક્ષ જમીની સ્તરે મજબૂત સંગઠનના નિર્માણ કરી ભાજપને સત્તા સ્થાનેથી દૂર કરશે એવી ભુજ તા. કોંગ્રેસ કારોબારીમાં  રણનીતિ ઘડાઇ હતી. જિલ્લા-તાલુકા-બૂથ લેવલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ચૂંટણી લડેલા તથા અસરકારક આગેવાનોને જવાબદારી સોંપવા જિલ્લા વ્યાપી તાલુકા કોંગ્રેસ કારોબારી સમિતિનની બેઠકોનો દોર શરૂ કર્યો હતો. જે અંતર્ગત ભુજ તથા નખત્રાણા તાલુકામાં રવિન્દ્ર ત્રવાડીને પ્રદેશ પ્રતિનિધિ તરીકે નિમણૂક આપવામાં આવી હતી, જેના ભાગરૂપે કચ્છ કોંગ્રેસ ભવન ખાતે પ્રારંભિક બેઠક મળી હતી. બેઠકને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, ભુજ તાલુકાની 8 જિલ્લા પંચાયત તથા 32 તાલુકા પંચાયત બેઠકમાં સંગઠન ગ્રામ્ય અને બૂથ કક્ષાએ લઇ જવા માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો. ભાજપની પ્રજા વિરોધી નીતિનો પર્દાફાશ કરી સત્તા સ્થાનેથી દૂર કરવા તથા ભાજપને જિલ્લા તાલુકામાં પરાજિત કરવા સંગઠનના મજબૂતીકરણ તથા વિસ્તૃતિકરણ પર ભાર મૂક્યો હતો. કામે લાગવા અપીલ કરી હતી. તાલુકા પ્રમુખ હરીશ આહીરે તેમનું સ્વાગત કર્યું હતું. પ્રદેશના પૂર્વ મંત્રી અરજણભાઇ ભુડિયાએ ભુજ તાલુકા તથા જિલ્લા પંચાયતમાં ભાજપને સત્તા સ્થાનેથી દૂર કરવા તમામે સંકલન સહ આગળ વધવા અનુરોધ કર્યો હતો. પૂર્વ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ ભાજપ સરકારની નિષ્ફળતાઓ બહાર લાવી જનતા સમક્ષ લઇ જવા અપીલ કરી હતી. વિપક્ષી નેતા જુમાભાઇ સમા, હરીભાઇ લખણાભાઇ આહીર, ઇકબાલ મેમણ, નરેન્દ્રસિંહ જાડેજાએ સૂચનો કર્યા હતા. ઇસ્માઇલ કુંભાર, નાનજી કરસન ભુડિયા, વેલજી મેરિયા, કાનજી પરબત ભુવા, વેલજી મેપાણી, ધનજી મેરિયા, હારૂન હુસેન, મહેન્દ્રસિંહ કે. પરમાર, નાનજી વણકર હાજર રહ્યા હતા. આભારવિધિ કાર્યાલયમંત્રી ધીરજ રૂપાણીએ કરી હતી, એવું જિલ્લા પ્રવકતા ગનીભાઇ કુંભારની યાદીમાં જણાવાયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer