પુત્રના લગ્નની ખુશાલીમાં દર્દીને રૂા. 1.32 લાખનું દાન અપાયું

પુત્રના લગ્નની ખુશાલીમાં દર્દીને  રૂા. 1.32 લાખનું દાન અપાયું
ભુજ, તા. 9 : અહીંના ક.વી.ઓ. જૈન મહાજનને ડો. ઉમંગ સંઘવીના લગ્ન પ્રસંગે રૂપિયા 1,32,000નું દાન પ્રાપ્ત થયું હતું. મહાજન દ્વારા ચાલતી માનવતાવાદી પ્રવૃત્તિ મહાજનનું મામેરું યોજના અંતર્ગત 11 દીકરીઓને સંસ્થા દ્વારા જે બોન્ડ અર્પણ કરવામાં આવે છે. તેના માટે રૂા. 1,21,000 તથા સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા દર્દી દિનેશભાઈ બાબુલાલના બોનમેરોની સારવાર માટે રૂા. 11,000 એમ કુલ્લ રૂા. 1,32,000નું દાન તેમના પિતા કમલેશભાઈ સંઘવી તરફથી સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાને અર્પણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ શ્રી છેડાએ જણાવ્યું હતું કે મહાજનનું મામેરું યોજના અંતર્ગત ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવારની વ્હાલસોયી દીકરીના લગ્ન સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દીકરીના લગ્નની સંપૂર્ણ જવાબદારી ચોરી, મંડપ, ડેકોરેશન, જાનૈયાનું સ્વાગત, બંને પક્ષે 200 જણનું ભોજન અને દીકરી જ્યારે વિદાય થાય ત્યારે સંસ્થા દ્વારા રૂા. 11,000ના બોન્ડ અને અન્ય દાતાઓ દ્વારા વિવિધ વસ્તુ કન્યાદાન રૂપે દીકરીને અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધી240 દીકરીઓને કન્યાદાન આપવાનું સૌભાગ્ય સંસ્થાને મળ્યું છે તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે પણ દર્દીને ઓપરેશન માટેની જરૂર હોય તેવા દર્દીઓને સરકારની વિવિધ યોજના હેઠળ સમાવેશ કરાવીને તેમના ઓપરેશનની સગવડ કરી આપવામાં આવે છે. યોજનામાં સમાવેશ ન થતાં દર્દીઓને દાનની જાહેર અપીલ બહાર પાડી લોકભાગીદારીથી રકમ એકત્રિત કરી તેમના ઓપરેશનની સગવડ કરી આપવામાં આવે છે. ગાંધીધામના દર્દી દિનેશભાઈ બાબુલાલને બોનમેરોની સારવાર માટે લોકભાગીદારીથી એકત્રિત થયેલી રકમ રૂા. 1,11,000ની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer