સતાપર નજીક ખાનગી વીજ કંપની ગેરકાયદે વીજ પોલ જોખમ સર્જશે

સતાપર નજીક ખાનગી વીજ કંપની ગેરકાયદે વીજ પોલ જોખમ સર્જશે
અંજાર, તા. 9 : તાલુકાના સતાપર નજીક આવેલા પસવારિયા-મીઠી રોહરને જોડતા માર્ગ પર ખાનગી વીજ કંપની દ્વારા સ્ટેટ હાઈવેની તદ્દન નજીક મોટો વીજ પોલ ગેરકાયદેસર રીતે ઊભો કરાયો છે. આ વીજ પોલને માર્ગ નિયંત્રણ રેખાથી દૂર ખસેડવા અરજદાર ભાવેશ આહીરે લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, માર્ગની તદ્દન નજીક હોતાં આ વીજ પોલથી ક્યારેય પણ મોટો અકસ્માત થવાનો ભય રહે છે. માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજ્ય)ના નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવેલું છે, આ વીજપોલ માટે સ્ટેટ હાઈવેની કચેરી દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી અપાઈ નથી. ખાનગી વીજ કંપનીએ મનસ્વી રીતે જ આ પોલ ઊભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દાએ સંકલનની બેઠકમાં પણ ભારે જોર પકડયું હતું છતાંય પણ આ મુદ્દે આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. માટે સ્થાનિક તંત્ર દ્વારા અરજીનો ત્વરિત નિકાલ કરવામાં આવે અન્યથા ન છૂટકે ઉચ્ચ ન્યાયાલયના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તેવું અરજદાર ભાવેશભાઈ આહીરની યાદીમાં જણાવાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer